પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવાર (12 એપ્રિલ)એ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવા પર સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી હવે હાર્દિક પટેલ માટે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે.
જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને વિક્રમનાથની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે સિનિયર ધારાશાસ્ત્રી મહિન્દ્ર સિંહની દલીલો સાંભળીને તથા હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને અમે માનીએ છીએ કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. તેથી અપીલ અંગે નિર્ણય ન થાય ત્યાં સુધી દોષિત ઠેરવવા પર સ્ટે આપવામાં આવે છે. જુલાઈ 2018માં વિસનગરની સેશન કોર્ટે 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહેરમાં થયેલા તોફાનો અને આગચંપીના કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની જેલ સજા કરી હતી. ગુજરાત હાઇકોર્ટે ઓગસ્ટ 2018માં હાર્દિક પટેલને જામીન આપ્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે લોક પ્રતિનિધિ ધારા 1951 હેઠળ હાઇકોર્ટમાં દોષિત ઠેરવવા પર સ્ટે આપવાની માગણી કરી હતી. જોકે માર્ચ 2019માં હાઇકોર્ટે આ અરજી નકારી કાઢી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે હાર્દિક પટેલ સામે કેટલાંક ગુનાહિત કેસો અને 17 એફઆઇઆર છે.
વિસનગર કેસમાં સજા થતાં હાર્દિકે 2019માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી. વકીલના જણાવ્યા અનુસાર હાર્દિકને ચૂંટણી લડતા અટકાવવા તે અધિકારોનું ઉલ્લંઘન છે. હાર્દિક પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી હતી. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઈ હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિનાની શરૂઆતમાં ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી.
વર્ષ 2015માં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં