વડોદરાના ખેલાડી, ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં 90 રનની શાનદાર ઈનિંગ દરમિયાન પોતાની વન-ડે કેરિયરમાં 1,000 રન પુરા કર્યા હતા અને તે સાથે સૌથી ઓછા – 857 બોલ રમી એક હજાર રન પુરા કરનારો તે ભારતનો મોખરાનો ખેલાડી બન્યો છે.
અત્યાર સુધીમાં સૌથી ઓછા -937 બોલમાં એક હજાર રનનો રેકોર્ડ કેદાર જાધવના નામે હતો. વિશ્વ ક્રિકેટમાં પંડ્યાનો ક્રમ પાંચમો છે. પ્રથમ ક્રમે વેસ્ટ ઈન્ડિઝનો આંદ્રે રસેલ છે. તેણે 767 બોલમાં 1000 રન પૂરા કર્યા છે. એ પછી લ્યૂક રોંચીએ ન્યૂઝીલેન્ડ તરફથી રમતાં 807 બોલમાં એ આંકડો પાર કર્યો હતો. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ 834 બોલમાં અને પછી ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસને 854 બોલમાં 1000 વન-ડે રન કર્યા છે.
