કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટી (આપ)માં જોડાશે તેવી અટકળો વચ્ચે હાર્દિક પટેલે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે ભાજપવાળા ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. સોમવારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ આવી અટકળોને વેગ મળ્યો હતો. સોસિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા કે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આપમાં જોડાઈ શકે છે અને મળી શકે છે મોટી જવાબદારી.
હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી કે ભાજપ પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે આવા ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે. પોતાની પોસ્ટમાં હાર્દિક પટેલે લખ્યું છે કે ‘ વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર હું આમ આદમી પાર્ટીમાં જોડાવાનો અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો ચહેરો બનવાના સમાચાર સાંભળીને ચોંકી ગયો. આ અહેવાલો પાયાવિહોણા અને બનાવટી છે અને ભાજપ દ્વારા કોંગ્રેસના સમર્થકો, કાર્યકરો અને ખાસ કરીને વિવિધ સમાજોમાં મૂંઝવણ ફેલાવવાના ઉદ્દેશ્યથી પ્લાન્ટ કરવામાં આવ્યા છે.