ભારતમાં ગુરુવાર, 6 એપ્રિલે હનુમાનજીની શોભાયાત્રા સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પવનપુત્રમાં મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. હનુમાન જયંતિ નિમિત્તે ઠેરઠેર મારૂતિયજ્ઞ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
રામનવમીની શોભાયાત્રા દરમિયાન ગુજરાતના વડોદરા તથા બિહાર અને પશ્ચિમ બંગાળમાં કોમી હિંસા થઈ હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે એડવાઇઝરી જારી કરીને તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થાની જાળવી કરવાની તાકીદ કરી હતી.
દેશના વિવિધ શહેરોમાં હનુમાનજીની શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. રામનવમીએ અનેક રાજ્યોમાં જોવા મળેલી હિંસા બાદ આજના દિવસે સુરક્ષા પગલે પણ સરકારે પૂરી તૈયારી દાખવી છે.
દર વર્ષે ચૈત્ર પૂનમના દિવસે હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. દેશભરમાં હનુમાનજીની જન્મજયંતિ તમામ લોકો ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરી રહ્યા છે. હનુમાનજીને કળયુગના સાક્ષાત દેવ પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, હનુમાનજીની ભક્તિથી વ્યક્તિમાં સાહસ અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે. હનુમાનજીની ભક્તિ વ્યક્તિને દરેક સંકટને હરનારી છે.