સાઉથ વેસ્ટ લંડનના ગ્રીનફર્ડના ડ્ર્યુ ગાર્ડન્સમાં રહેતા 62 વર્ષના હંસાબેન પટેલની હત્યા કરવાના આરોપ બદલ પોલીસે તેમના સગા પુત્ર 31 વર્ષીય શનિલ પટેલની ધરપકડ કરી તેના પર હત્યાનો આરોપ મૂકીને તપાસ આદરી છે. પોલીસે શનિલને તા. 27 નવેમ્બરના રોજ મોડી રાત્રે વિમ્બલ્ડન મેજિસ્ટ્રેટસ કોર્ટમાં રજૂ કર્યો હતો.

બુધવાર, તા. 25 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે પોલીસને ડ્ર્યુ ગાર્ડનનાં ઘરે બોલાવવામાં આવી હતી. જ્યાં તેમને 62 વર્ષીય હંસાબેન પટેલ માથામાં ઇજા પામેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓ અને પેરામેડિક્સના ભરપૂર પ્રયત્નો છતાં, હંસાબેનનું લગભગ 30 મિનિટની પ્રાથમિક સારવાર બાદ તેમને સાંજે 5.22 કલાકે ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ પરીક્ષણ નિયત સમયે કરવામાં આવશે. બુધવારે બનેલી ઘટના બાદ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ પુરાવા એકત્રિત કરતી જોવા મળી હતી રસ્તો બિન-રહેવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે આ અંગે તેમના સગા સંબંધીઓને જાણ કરવામાં આવી છે. પરંતુ કરુણ મોત પાછળની પરિસ્થિતિ સંજોગોમાં પોલીસ તપાસ કરી રહી છે. મેટ પોલીસની સ્પેશ્યાલિસ્ટ ક્રાઇમ કમાન્ડ [હોમીસાઇડ]ના ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર સાઇમન હાર્ડિંગ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે.

ડીસીઆઈ હાર્ડિંગે કહ્યું હતું કે “આ પ્રારંભિક તબક્કે અમે ખુલ્લા મનથી તપાસ કરી રહ્યા છીએ. જો કોઇને આ હત્યા પાછળના ઉદ્દેશ્ય અથવા તો અન્ય બાબત અંગે કોઇ માહિતી હોય તો વિલંબ કર્યા વિના અમારો સંપર્ક કરી મદદ કરી શકે.”

મેટની વેસ્ટ એરિયા કમાન્ડના ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ પીટર ગાર્ડનરે કહ્યું હતું કે “આ ઘટના ખૂબ જ દુ:ખદ છે અને આ મુશ્કેલ સમયે અમારી લાગણી અને હુંફ પીડિતના પરિવાર સાથે છે.

તમે વધુ માહિતી [email protected] ને ઇમેઇલ કરી મોકલી શકો છો.