‘’હમાસે ગાઝામાં બંધકોને મુક્ત કરવા જોઈએ અને બીજું, તાકીદે, ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, બળતણ, દવાઓ મેળવવા માટે માનવતાવાદી સહાયની જરૂર છે. દેખીતી રીતે થોડી પ્રગતિ થઈ છે, પરંતુ ઘણું બધું જરૂરી છે. ગાઝામાં ઘણા નિર્દોષ નાગરિકો છે. ત્યાં માનવતાવાદી કટોકટી છે, એક મિલિયન બાળકો છે અને તેમને સહાયને સખત અને તાકીદની જરૂર છે’’ એમ ઇજિપ્તની મુલાકાતે ગયેલા લેબર પક્ષના નેતા સર કીર સ્ટાર્મરે એક મુલાકાતમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ‘’ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે પરંતુ તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હોવો જોઈએ. ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય કાયદાથી બંધાયેલું છે. હજી પણ બંધકોને રાખવામાં આવ્યા છે તેનો પ્રતિભાવ શું હોવો જોઈએ તે નક્કી કરવાનું કામ ઇઝરાયેલનું છે. ઇઝરાયલ તે બંધકોને સુરક્ષિત રીતે અને સારી સ્થિતિમાં પરત મેળવવા માટે તમામ કામ કરશે પણ તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર થવા જોઈએ.’’
એક ઇન્ટરવ્યુમાં ઇઝરાયેલ માટે ગાઝાનો પાવર અને પાણી પુરવઠો કાપી નાખવો વાજબી છે તેમ રહેવા અંગે સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’મારૂ કહેવાનું હતું કે ઇઝરાયેલને સ્વ-રક્ષણનો અધિકાર છે. હું એમ નહોતો કહેતો કે ઇઝરાયેલને પાણી, ખોરાક, બળતણ અથવા દવાઓ કાપવાનો અધિકાર છે. હું માનવતાવાદી સહાય માટે નેતૃત્વ કરી રહ્યો છું જે સહાય તાકીદે પહોંચાડવાની જરૂર છે. મેં લેબર પાર્ટીની સ્થિતિ આ અંગે ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવી છે. હું લેબર પાર્ટીમાં અને લેબર પાર્ટીની બહારના ઘણા લોકોની ચિંતા અને ઊંડી લાગણીઓને સમજું છું. અને ઇઝરાયલ સામે આચરવામાં આવેલા આતંકના ભયાનક કૃત્યો અને બંધકોના અપહરણ, ગાઝાના નિર્દોષ નાગરિકોની દુર્દશા, માનવતાવાદી કટોકટી ખરેખર દુઃખદાયક પરિસ્થિતિ છે.’’