મુસ્લિમ દેશ સાઉદી આરબે ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લઈને મહિલાઓને પુરૂષ વાલી (ગાર્ડિયન) વગર મક્કામાં હજ કે ઉમરા કરવાની મંજૂરી આપી છે. સાઉદી આરબના હજ અને ઉમરાહ પ્રધાન તૌફિક બિન ફવઝાન અલ રબિયાહે નિર્ણયની જાહેરાત કરી હતી.
હજ પ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર ઈબ્રાહિમ હુસૈને જણાવ્યું હતું કે “મહિલાઓને પુરૂષ સંબંધી વિના ઉમરાહ કરવા દેવાથી તેમનું જીવન સરળ બને છે. તેઓ પહેલાથી જ અનેક અવરોધોનો સામનો કરે છે અને મુશ્કેલ સામાજિક-આર્થિક પરિસ્થિતિઓમાં જીવે છે. આનાથી મહરમ શોધવાનું મુશ્કેલ બની શકે છે અથવા ઉમરાહ વધુ મોંઘી બની શકે છે જ્યારે તેઓ ઉમરાહ કરવા આતુર હોય”,
તાજેતરનાવર્ષોથી સાઉદી અરેબિયા મહિલાઓના અધિકારોના મુદ્દે પોતાની છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ અને વોટનો અધિકાર આપ્યો હતો. તૌફિક બિન ફવઝાન અલ રબિયાહે કહ્યું હતું કે વિશ્વભરના મુસ્લિમો માટે ઉમરાહ વિઝા માટે કોઈ ક્વોટા અથવા ટોચમર્યાદા નથી. કોઈપણ વિઝા સાથે રાજ્યમાં આવતા મુસ્લિમોને ઉમરાહ કરવાની મંજૂરી આપવામાં આવશે.
પ્રધાને જણાવ્યું હતું કે મંત્રાલય હજ કરવા માટેના ખર્ચને ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યું છે, જેથી તે બધા માટે શક્ય બનાવી શકાય. સરકારના નિર્ણય પર હજ પ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર ફતેન ઇબ્રાહિમ હુસૈને જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા પોતાના 2030ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સુવિધાઓ પ્રદાન કરી રહ્યું છે. આરબ ન્યૂઝે હજ કરવાને લઈને ફતેનના હવાલાથી જણાવ્યું હતું કે દેશમાં પરિવહનના તમામ સાધનો અને સુવિધાઓની સાથે સાથે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. એ પછીથી અહીં આવનારાઓ માટે અહીંની મુલાકાત સરળ બની ગઈ છે. એવી ઘણી મહિલાઓ છે જે મેહરમ (ગાર્ડિયન) વગર કામ કરવા સાઉદી આરબમાં આવે છે, અહીં કોઈ અજુગતી ઘટના બની નથી. મહિલાઓને મેહરમ વગર આવવાથી કોઈ ખતરો નથી કારણ કે તેની પાછળ હવે એવા કોઈ કારણ રહ્યા નથી.