કેરિબિયન દેશ હૈતીમાં શનિવારની સાંજે 7.2ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને પગલે અનેક ઈમારતો કડડભૂસ થઈને પડી ગઈ હતી અને ઓછામાં ઓછા 304 લોકોના મોત થયા હતા. વિનાશક ભૂકંપને પગલે અનેક લોકો લાપતા બન્યા હતા, એમ સત્તાવાળાએ જણાવ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે ઓછામાં ઓછા 1,800 લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે સેંકડો ઘર પત્તા મહેલની જેમ તૂટી પડ્યા હતા અને લોકો રસ્તા પર આવી ગયા હતા.
આ કુદરતી આપત્તિમાં અને ચર્ચ, સ્કૂલો, હોટેલ અને મકાનો તૂટી પડ્યા હતા. અમેરિકન જિયોલોજિકલ સર્વે અહેવાલ પ્રમાણે સ્થાનિક સમય મુજબ સાંજે 8.30 વાગ્યે 7.2ની તીવ્રતાનો ભુકંપ હતો અને કેન્દ્રબિંદુ રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી આશરે 125 કિમીના અંતરે છે. ભૂકંપ પછી પણ સંખ્યાબંધ આંચકા આવ્યા હતા. આગામી સપ્તાહની શરૂઆતમાં સંકટમાં વધારો થઈ શકે છે કારણ કે, ગ્રેસ વાવાઝોડું સોમવારે કે મંગળવારે હૈતી પહોંચી શકે છે. ભૂકંપ બાદ આખો દિવસ અને રાતે આંચકા અનુભવાયા હતા. બેઘર થઈ ગયેલા લોકો અને જે લોકોના ઘર પડવાની તૈયારીમાં છે તે સૌએ ખુલ્લામાં રસ્તા પર રાત વિતાવી હતી.
પ્રથામિક અહેવાલ મુજબ ભૂકંપમાં 949 મકાનો, સાત ચર્ચ, બે હોટેલ અને ત્રણ સ્કૂલો ધરાશાયી થઈ હતી. જોકે પોર્ટ, એરપોર્ટ કે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્ક્ચરને મોટી નુકસાન થયું ન હતું. શનિવારે આવેલા ભૂકંપના કારણે અનેક શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે તથા ભૂસ્ખલન થવાથી ભૂકંપના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલા સમુદાયો વચ્ચેનું બચાવ અભિયાન પ્રભાવિત થઈ રહ્યું છે. કોરોના વાયરસ મહામારીના કારણે પહેલેથી ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની પીડામાં વધારો થયો છે. દેશના પ્રેસિડન્ટની હત્યા અને ગરીબીના કારણે રાષ્ટ્ર પહેલેથી જ સંકટમાં છે.
વડાપ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું કે, જ્યાં શહેર તબાહ થઈ ગયું છે અને હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે ત્યાં મદદ મોકલવામાં આવી રહી છે. હૈતીની નાગરિક સુરક્ષા એજન્સીના ડિરેક્ટર જૈરી ચાંડલરે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા 304 નોંધાઈ છે અને દેશના દક્ષિણ ક્ષેત્રમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા 860 ઘર નષ્ટ થઈ ગયા છે અને 700થી વધારે ક્ષતિગ્રસ્ત થયા છે. વડાપ્રધાને દેશભરમાં એક મહિનાની ઈમરજન્સી સ્થિતિની જાહેરાત કરી છે અને જ્યાં સુધી નુકસાનનું આકલન ન થઈ જાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મદદ નહીં માંગવામાં આવે તેમ જણાવ્યું હતું.