ઉત્તર સ્પેનના કેટેલોનીઆમાં મંગળવારે ભારે પવન સાથે અતિશય મોટા કદના કરા પડતાં કેટલાય લોકો ઘવાયા હતા અને ઈજા પામેલી લગભગ 20 મહિનાની ઉંમરની એક બાળકીનું મોત નિપજ્યું હતું.
ચાર ઈંચના મોટા, એક એડલ્ટ માણસની મુઠ્ઠીના કદના કરા લા બિસ્બાલ દ એમ્પોરદા ગામની આસપાસના વિસ્તારમાં ત્રાટક્યા હતા, જેના કારણે અને લોકોને ઈજાઓ થઈ હતી, જેમાંથી કેટલાકને તો હાડકા ભાંગી જવા અને ફ્રેકચર જેવી ઈજાઓ પણ થઈ હતી. આ રીતે, ગામમાં લગભગ 50 લોકોને ઈજાઓ થઈ હતી. અચાનક પવનના તોફાન સાથે કરાનો વરસાદ શરૂ થતાં લોકોમાં ભારે નાસભાગ મચી હતી, ખાસ કરીને બાળકો આમથી તેમ દોડવા લાગ્યા હતા. કેટલાક બાળકોના માતા-પિતા તેમના સંતાનોને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શક્યા હતા.
નાની બાળકીને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલે લઈ જવાઈ હતી, પણ ત્યાં તે મૃત્યુ પામી હતી. સ્થાનિક હવામાન એજન્સી મેટીઓસેટના અહેવાલ મુજબ આટલા મોટા કરાનો 20 વર્ષનો રેકોર્ડ આ વિસ્તારમાં તૂટ્યો હતો.