પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝ્મ કોર્ટે ત્રાસવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદને ત્રાસવાદી સંબંધિત બે કેસમાં ગુરુવારે 10 વર્ષ જેલની સજા ફટકારી હતી. હાફિઝ સઇદને ગયા વર્ષે 17 જુલાઈએ પકડવામાં આવ્યો હતો. હાફિઝ મુંબઈમાં થયેલા આતંકી હુમલાનો મુખ્ય આરોપી છે. આ હુમલામાં 166 લોકોના મોત નિપજ્યા હતા.
સઇદની સાથે વધુ આરોપીઓ ઝફર ઈકબાલ અને યાહ્યા મુઝાહિદને બે કેસમાં પાંચ-પાંચ વર્ષની અને બીજા અન્ય મામલામાં છ મહિનાની જેલની સજા સંભળાવી છે. તેમના પર 1,10,000 રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે. તમામ સ્થાવર અને જંગમ સંપત્તિઓને પણ જપ્ત કરવામાં આવી છે.
આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ હાફિઝને લાહોરની એક કોર્ટે ટેરર ફંડિંગના બે મામલામાં દોષી જાહેર કર્યો હતો. તે સમયે કોર્ટે તેને 5 વર્ષ કેદની સજા સંભળાવી હતી. સઇદ વિરૂદ્ધ આતંકી ફંડિંગ, મની લોન્ડ્રિંગ અને ગેરકાયદ કબજા સહિતના 41 કેસ દાખલ છે.
હાફિઝ સઇદ લશ્કર-એ-તોયબાનો સ્થાપક છે. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પછી અમેરિકાએ આ સંગઠનને વિદેશી આતંકી સંગઠનની યાદીમાં સામેલ કર્યું હતું. 2002માં પાકિસ્તાની સરકારે પણ લશ્કર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પછી હાફિઝ સઇદે નવું આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા બનાવ્યું હતું.