કોરોનાએ અમેરિકામાં તબાહી મચાવી છે. કોરોનાનાં પ્રકોપને કારણે ત્યાં ૩૦૦૦થી વધુનાં મોત થયા છે અને દોઢ લાખ જેટલા લોકોને સંક્રમણ થયું છે. અમેરિકાની ઈકોનોમીને જોરદાર ફટકો પડયો છે ત્યારે યુએસ કંપનીઓ દ્વારા મોટાપાયે છટણી શરૂ કરવામાં આવશે તેવા ભયથી H-૧B વિઝા ધારકોએ નોકરી ગુમાવ્યા પછીનાં તબક્કામાં અમેરિકામાં વધુ ૧૮૦ દિવસ રહેવાની છૂટ આપવા માગણી કરી છે.

અમેરિકામાં મોટાભાગનાં H-૧B વિઝા ધારકો ભારતીયો છે તેમનાં પર બેકારી અને છટણીની તલવાર તોળાઈ રહી છે. હાલ ત્યાં માન્યતાપાત્ર જોબ લોસ સ્ટે એટલે કે નોકરી છૂટી ગયા પછી રહેવાની મુદત ફક્ત ૬૦ દિવસ કે બે મહિનાની છે તે લંબાવીને ૧૮૦ દિવસની કરવા ટ્રમ્પ સરકારને અરજ કરાઈ છે.

H-૧B વિઝા એ નોન ઈમિગ્રન્ટ વિઝા છે જે હેઠળ વિદેશનાં કર્મચારીઓ કે જેઓ ટેકનિકલ એક્સપર્ટ હોય કે ટેકનિકલ પ્રોફેશનલ્સ હોય તેને અમેરિકામાં રહીને યુએસ કંપનીમાં નોકરી કરવાની છૂટ આપે છે. અમેરિકાની કંપનીઓમાં ખાસ કરીને ભારત અને ચીનથી આવેલા પ્રોફેશનલ્સ H-૧B વિઝા ધરાવતા હોય છે. હાલ એવો નિયમ છે કે જો H-૧B વિઝા ધારક અમેરિકામાં નોકરી ગુમાવે તો પછી ૬૦ દિવસમાં તેણે અને તેનાં પરિવારે અમેરિકા છોડવું પડે છે.

અમેરિકાનાં નિષ્ણાતોને ભય છે કે જે રીતે કોરોનાએ અમેરિકાની ઈકોનોમીને પાયમાલીનાં તબક્કામાં ધકેલી છે તે પછી કંપનીઓ દ્વારા મોટાપાયે છટણીનો દોર શરૂ થઈ જશે. ૨૧ માર્ચે ૩૩ લાખ અમેરિકનો દ્વારા જોબર્લ્સ ક્લેમ કરવામાં આવ્યા હતા. જો કોરોનાનો કેર વધુ બે અઠવાડીયા ચાલુ રહેશે તો ત્યાં લાખો લોકો નોકરી ગુમાવશે. એક અંદાજ મુજબ આશરે ૪૭ મિલિયન લોકો બેકાર થઈ જશે. જેઓ H-૧B વિઝા ધરાવે છે તેમને બેકારી ભથ્થાનાં લાભ આપવામાં આવતા નથી.

કેટલાક H-૧B ધારકોએ વ્હાઈટ હાઉસની વેબસાઈટ ઉપર નોકરી ગુમાવ્યા પછી અમેરિકામાં રહેવાની મુદત ૬૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવાની માગણી કરતી પિટીશન ઝુંબેશ શરૂ કરી છે. આ પિટિશન પર હાલ ૨૦,૦૦૦થી વધુ H-૧B વિઝા ધારકોની સહી કરવામાં આવી છે.

વ્હાઈટ હાઉસમાંથી મંજૂરી મેળવવા માટે ઓછામાં ઓછા ૧૦૦,૦૦૦ લોકોની સહી હોવી જરૂરી છે. કોરોનાને કારણે H-૧B વિઝા ધારકો ત્યાં કફોડી હાલતમાં મુકાયા છે. તેમની આર્થિક સ્થિતિ પણ નબળી પડી છે.

 

ગ્રીનકાર્ડ માટે ભારતીયોએ લાંબા સમય સુધી રાહ જોવી પડશે

અમેરિકામાં કાયદેસર રીતે રહેવા માટે રોજગાર આધારિત બેકલોગ ૨૦૩૦ સુધીમાં બમણો થઇ જશે અને તેને કારણે ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે એક દાયકો રાહ જોવી પડશે, એમ કોંગ્રેસના તાજા રિપોર્ટમાં જણાવાયું છે. અમેરિકાના નાગરિક ન હોય એવા લોકો માટે અમેરિકામાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે.

કોંગ્રેશ્નલ રિસર્ચ સર્વિસ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા દરેક દેશ પર લાદવામાં આવેલી ક્વોટાની મર્યાદા દૂર કરવામાં આવે તો પણ સમય મર્યાદા થોડી ઘટશે. લગભગ ૧૦ લાખ લોકો કાયદેસર રીતે વિદેશી કામદારો છે અને તેમના પરિવારના સભ્યોને પણ એ વીઝા મળ્યા છે. તેઓ લોફૂલ પરમેનન્ટ રેસિડન્ટ સ્ટેટસ એટલે કે ગ્રીનકાર્ડ મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ રોજગાર આધારિત બેકલોગ ૨૦૩૦ સુધીમાં બમણો થઇ જાય એમ છે.

આ બેકલોગ એટલા માટે છે કે ગ્રીનકાર્ડ માટે અમેરિકી નોકરી દાતાઓ દ્વારા પ્રાયોજત વિદેશી કામદારોની સંખ્યા વાર્ષિક કાયદેસર ગ્રીનકાર્ડની ફળવણી કરતાં વધારે છે. મોટા માઇગ્રેન્ટ કરતા દેશો ભારત અને ચીનના નાગરિકો માટે પણ સાત ટકાની ટોચ મર્યાદાને કારણે ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે.

નવા ઇચ્છુક ઇમિગ્રન્ટો બેકલોગમાં પ્રવેશે છે, જેને કારણે ગ્રીનકાર્ડ બેમાંથી એક જ જણને મળી શકે છે. એ સંજોગોમાં ઘણા ભારતીય નાગરિકોને ગ્રીન કાર્ડ મેળવવામાં એક દાયકા સુધીની રાહ જોવી પડી શકે છે. બેકલોગને કારણે આ સંભવિત ઇમીગ્રાન્ટો ઉપર ઘણી મુશ્કેલી લાદી શકે એમ છે, આ ઇમિગ્રન્ટો પૈકી કેટલાક તો પહેલેથી જ અમેરિકામાં રહે છે.