અમેરિકામાં નોકરીના સ્વપ્ન જોનારા ભારતીયોને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નિરાશ કરી રહ્યા છે. હવે એચ-1 બી વીસા અંગે ટ્રમ્પે એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇસ્યુ કર્યો છે, જે અંતર્ગત અમેરિકાની ફેડરલ એજન્સીઝ એચ-1 બી વીસા પર વિદેશી પ્રોફેશનલ્સને કોન્ટ્રાક્ટ કે સબ-કોન્ટ્રાક્ટ હેઠળ જોબ આપી શકશે નહીં.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાની ઓવલ ઓફિસમાં આ આદેશ પર સહી કરતા પહેલા મીડિયાને જણાવ્યું હતું કે, ‘આજે હું એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી રહ્યો છું. જેથી તે સુનિશ્ચિત થઇ શકે કે ફેડરલ સરકાર એક સરળ નિયમ પર ચાલશે, અમેરિકન નાગરિક સૌથી ઉપર રહેશે.
મારું એડમિનિસ્ટ્રેશન એ સહન નહીં કરે કે સસ્તા વિદેશી કામદારો માટે સખત મહેનત કરનારા અમેરિકન નાગરિકોને નોકરીમાંથી હટાવવામાં આવે. અમે નિર્ણય કર્યો છે કે, હવે એચ-1 બી વીસાના કારણે કોઇ અમેરિકન કર્મચારીની નોકરી જશે નહીં.
ટ્રમ્પે પોતાના આ નિર્ણયના એક મહિના અગાઉ 23 જુનનો રોજ એચ-1બી વીસા સહિત બીજા ઘણા ફોરેન વર્ક વીસા ડિસેમ્બર 2020 સુધી રદ્ કર્યા હતા. આ ઓર્ડર 24 જુનથી અમલમાં આવી ચૂક્યા છે. ટ્રમ્પના આ નિર્ણયને નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ સાથે સાંકળવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એચ-1બી વીસાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ રહે છે. આ નોન-ઇમિગ્રન્ટ વીસા છે, જે અંતર્ગત કંપની થીયરોટિકલ અથવા તો ટેકનિકલ સ્કીલ ધરાવનાર વિદેશી પ્રોફેશનલ્સને નોકરીએ રાખી શકે છે. અમેરિકન કંપનીઝ આ વીસા ધરાવતા હજ્જારો ભારતીયોને નોકરી પર રાખે છે.
દેશના લેબર સેક્રેટરીએ આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, એચ-1 બી વીસાના નામે છેતરપિંડી રોકવા અને અમેરિકન્સના હિતોની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પના આ પગલાને અમેરિકન કર્મચારીઓ માટે મદદગાર માનવામાં આવી રહ્યું છે.
પરંતુ જેમણે આ વીસા અંતર્ગત અમેરિકામાં નોકરી કરવાનું સ્વપ્ન જોયું હતું તેમને આ નિર્ણયથી મોટો ફટકો પડ્યો છે. આ ઓર્ડર પછી જે કંપનીઓ આવા વીસા પર બીજા દેશના લોકોને નોકરીએ રાખતી હતી તે હવે તેમ નહીં કરી શકે.
ટ્રમ્પનો ઓર્ડર ફેડરલ માલિકીની ટેનેસી વેલી ઓથોરિટી (TVA)ની જાહેરાત અંતર્ગત છે. તે 20 ટકા જેટલી ટેકનિકલ નોકરીઓ જુદા જુદા દેશોમાં સ્થિત કંપનીઝમાંથી આઉટસોર્સ કરશે.
TVAના આ પગલાને કારણે ટેનેસીમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા 200 અમેરિકન ટેક વર્કર્સ તેમની નોકરી ઓછા વેતનવાળા વિદેશીઓને કારણે ગુમાવશે, વિદેશી કર્મચારીઓને હંગામી વર્ક વીસા પર લેવામાં આવ્યા હોવાનું પ્રેસિડેન્ટે જણાવ્યું હતું.એચ-1 બી વીસા અંતર્ગત અમેરિનક કંપનીઝને વિદેશી એક્સપર્ટ્સને નોકરી પર રાખવાની મંજૂરી મળે છે. આ વીસા કોઇપણ કર્મચારીને અમેરિકામાં છ વર્ષ સુધી કામ કરવા માટે આપવામાં આવે છે.
અમેરિકામાં કામ કરનારા મોટાભાગના ભારતીય આઇટી પ્રોફેશનલ્સ આ વીસા પર અમેરિકામાં આવે છે. અમેરિકન ટેક કંપનીઝ દર વર્ષે આ વીસા પર ભારત અને ચીન સહિત બીજા દેશોના હજ્જારો કર્મચારીઓને નોકરી પર રાખે છે. આ વીસાની એક ખાસિયત એ પણ છે કે, અન્ય દેશોના લોકોને અમેરિકામાં સ્થાયી થવાનો માર્ગ પણ સરળ થઇ જાય છે.