યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે કુશળ અને પ્રોફેશનલ વર્કફોર્સની અછત ટાળવા બાઇડેન તંત્ર અને કોંગ્રેસને અનુરોધ કરીને એચ-1બી વીઝાની સંખ્યા બમણી કરવા તથા ગ્રીન કાર્ડ માટે દેશ દીઠના ક્વોટા દૂર કરવા માંગણી કરી છે.
એચ-1બી વીઝા નોન ઇમિગ્રન્ટ વીઝા છે, જેમાં અમેરિકન કંપનીઓ થિયોરીટીકલ અને ટેકનિકલ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી કરી શકે છે. ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીઓની નિયુક્તિ માટે આ વીઝા આવશ્યક છે. ચેમ્બરે રોજગાર આધારીત વીઝા દર વર્ષે 1.4 લાખથી વધારી 2.7 લાખ કરવા માંગ કરી છે.
ચેમ્બરે રોજગાર શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો તથા કામ કરતા માબાપના બાળકો માટે ચાઇલ્ડકેર ક્ષેત્રે સરકારી મૂડીરોકાણ વધારવા માંગણી કરવા ઉપરાંત ગ્રીન કાર્ડની દેશદીઠ ક્વોટાની પ્રથા દૂર કરવા જણાવ્યું છે. અમેરિકામાં સ્નાતક થતા વિદેશી વિદ્યાર્થીઓને રોજગાર આધારિત ગ્રીનકાર્ડની વધુ તકો માટે બાઇડેન તંત્રને અનુરોધ કરાયો છે.
એચ-1બી, એચ-2બી વીઝા, કાયદેસરની ઇમિગ્રેશન પદ્ધતિમાં સુધારાની માંગ ઉપરાંત ચેમ્બર્સે બિનમોસમી કૃષિ વેપાર માટે કૃષિ મજૂરો માટે એચ-2બીએ વીઝા ઉપલબ્ધિ વધારવા પણ માંગણી કરી છે.