તેઓ ખૂબજ હિંમતવાન વ્યક્તિ હતા અને સંખ્યાબંધ બાબતોના હિતને કાજે તેઓ અડિખમ રહ્યા હતા, તેમાંથી કેટલીક બાબતો તો એમણે પોતાના જીવનનું મિશન બનાવી દીધી હતી. તેઓ લીલા નાળિયેર જેવા હતા – બહારથી ખૂબજ કઠણ દેખાતા, પણ અંદરથી તેઓ ખુબજ મૃદુ હતા અને તેઓની કોઈપણ વ્યક્તિને અનુકુળ થવાની તૈયારી હતી, સાચા સમયે સાચું કામ કરવા તેઓ હંમેશા સજ્જ રહેતા.
તેઓ એક જબરજસ્ત ઉદ્યોગ સાહસિક હતા અને હોસ્પિટાલિટી બિઝનેસની તમામ બાબતો તેઓએ હોંશભેર સિદ્ધ કરી હતી, પછી તે ટેકનોલોજી હોય, બાંધકામની પ્રક્રિયાના તમામ પાસાઓ હોય કે નાણાંકિય માહિતી પચાવવાનું હોય.
આહોઆને એક મહાન સંસ્થા બનાવવાની પોતાની અદમ્ય ઈચ્છા પુરી કરતા તેઓ ખૂબજ સક્રિય હતા. તેમનામાં રહેલી ઉદ્યોગસાહસિકતાની ભાવના ખૂબજ નાની વયે ઝળકી હતી અને ફક્ત 18 વર્ષની વયે તો આફ્રિકાના મલાવીમાં તેમણે પોતાનો કારોબાર શરૂ કર્યો હતો. એ પછી તેઓ 1974માં મારી સાથે પોમોના, કેલિફોર્નીઆમાં મોટેલ બિઝનેસમાં જોડાયા હતા.
અહીં તેણે ધંધાનો વ્યાપ વધાર્યો અને અમે સાઉથ ઈસ્ટમાં અનેક હોટેલ્સની માલિકી સુધી પહોંચ્યા હતા.
પોતાની જબરજસ્ત સફળતા છતાં તેમના માટે કોઈ કામ નાનું નહોતું, તેને ક્યારેય અમારી કોઈ હોટેલમાં બેડ સરખી કરવામાં કે કોઈ રીપેરીંગનું કામ કરવામાં પણ સંકોચ થયો નહોતો.તેનામાં ધંધાની તમામ બારિકીઓને ઓળખી જઈ પચાવી લેવાની અદભૂત ક્ષમતા હતી, તે કોઈ નવી બાબત હોય તો પણ.