અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશી ટેકનોલોજી પ્રોફેશનલ માટે H-1B વર્ક વિઝા માટેની કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી સિસ્ટમ નાબૂદ કરીને વેજ-લેવલ આધારિત સિલેક્શન પ્રોસેસ ચાલુ કરવાની દરખાસ્ત કરી છે. આ હિલચાલનો હેતુ અમેરિકાના કામદારોના વેતનમાં ઘટાડાને દબાણનો સામનો કરવાનો છે.
ગુરુવારે ફેડરલ રજિસ્ટ્રરમાં નવી સિસ્ટમનું નોટિફિકેશન જારી કરાયું હતું. સંબંધિત પક્ષકારો 30 દિવસમાં તેમના અભિપ્રાય આપી શકે છે. અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીને એક સપ્તાહ કરતાં ઓછો સમય રહ્યો છે ત્યારે આ હિલચાલ કરવામાં આવી છે. H-1B વિઝા નોન ઇમિગ્રેન્ટ વિઝા છે અને ભારતના આઇટી પ્રોફેશનલ તેનો વ્યાપક ઉપયોગ કરે છે. તેનાથી અમેરિકાની કંપનીઓ વિદેશથી પ્રોફેશનલ લાવી શકે છે.