ભારતની આતંકવાદ વિરોધી એજન્સી (એનઆઇએ)એ એર ઇન્ડિયા અને તેના મુસાફરોને ધમકી આપવા બદલ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
આ કેસ ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ નોંધવામાં આવ્યો છે. 4 નવેમ્બરના રોજ જાહેર થયેલા વિડિયો સંદેશામાં, પન્નુને શીખોને તેમના જીવન સામે સંભવિત ખતરો દર્શાવીને 19 નવેમ્બરે અને તે પછી એર ઈન્ડિયાના વિમાનોમાં ઉડવાનું બંધ કરવા કહ્યું હતું. પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના વડા પન્નુને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિડિયો મેસેજ જારી કર્યા હતા. આના પગલે કેનેડા, ભારત અને એર ઈન્ડિયા જ્યાં ઉડે છે તેવા અન્ય કેટલાક દેશોમાં સુરક્ષા દળો દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
NIA સ્પેશિયલ કોર્ટ દ્વારા 3 ફેબ્રુઆરી, 2021ના રોજ પન્નુન સામે બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને ગયા વર્ષે 29 નવેમ્બરે તેને “ઘોષિત અપરાધી” જાહેર કરવામાં આવ્યો હતો.