હેન્ડ્સવર્થ વૂડના બીચબર્ન વે સ્થિત ખુદના ઘરે પોતાના પર કાળો જાદુ કર્યો હોવાનું માની સગી જનેતાની હત્યા કરનાર ઓલ્ડ વોલ્સલ રોડ, ગ્રેટ બારના ગુરકિરણ બસનને સોમવાર, 24 જુલાઈના રોજ જજ અવિક મુખર્જીએ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં 20 વર્ષની સજા ફટકારી હતી. તેની માતાએ તેને નાસ્તો બનાવી આપું તેમ પૂછ્યું હતું પરંતુ તેણે બદલામાં તેણે સગી જનેતાને 15 વખત છરી મારી કરપીણ હત્યા કરી હતી.
ગુરકિરણ બાસન 15 વર્ષની ઉંમરથી તેની માતાથી અલગ થઈ ગયો હતો અને હુમલાના બે મહિના પહેલા, મધર્સ ડેના રોજ તેણે પોતાની માતાનો સંપર્ક પુનઃસ્થાપિત કર્યો હતો. તેઓ સંપર્કમાં આવ્યા બાદ ગુરકિરણે તેના સ્વર્ગસ્થ પિતા તેમજ ‘અલગ બ્રહ્માંડ’ હોવા વિશે ટિપ્પણીઓ કરી હતી. જેના બદલામાં તેની માતાએ ડ્રગ્સ લેવાનું બંધ કરવાની સલાહ આપી હતી.
16 વર્ષની ઉંમરથી ગાંજો પીતા ગુરકિરણે તેની માતા પર ‘માનસિક બુલિઇંગ’નો આરોપ મૂક્યો હતો. તેને 2 મે, 2022 ના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ બાસન 8 મેના રોજ હેન્ડ્સવર્થ વૂડમાં તેની માતાના ઘરે રાત રોકાયો હતો. બીજા દિવસે સવારે તેણે તેની માતાને કહ્યું હતું કે તેની લાગણીઓ ‘મૃત્યુ પામી છે’. તેણે શું ઘરમાં કોઈ સીસીટીવી છે? તેમજ ઘરનું એલાર્મ બંધ કરવાની વિનંતી કરતાં બાસનની માતાએ પાડોશીને મેસેજ કરીને ઘરે આવવા કહ્યું હતું. તેઓ આવતા તેણીએ ટેલિફોનનો ઈશારો કરી પોલીસને બોલાવવા કહ્યું હતું. પરંતુ પડોશીઓ કશું સમજી શક્યા ન હતા.
થોડા સમય પછી, બાસને ‘આઘાતજનક અને ઘાતકી’ હુમલો કરી માતાને ગરદન દબાવી જમીન પર પાડી દઇ વારંવાર છરા મારી હત્યા કરી હતી. તેણીએ મૃત હોવાનો ડોળ કર્યો હતો પરંતુ બાસને તેણીના શ્વાસને જોઇને વાઇનની બોટલ વડે માથા પર પ્રહાર કર્યા હતા.
બાસને તે પછી ઇમરજન્સી સેવાઓને ફોન કર્યો હતો અને પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી.