લંડનમાં વડા પ્રધાનના નિવાસ – ડાઉનિંગ સ્ટ્રીટની બહાર અસમાન પેન્શનનો વિરોધ કરવા ભૂખ હડતાળ પર ઉતરેલા ધન ગુરૂંગ નામના ભૂતપૂર્વ ગુરખા સૈનિકે 11 દિવસ સુધી ખોરાક લેવાનો ઇનકાર કર્યા બાદ તેમને હૃદયરોગનો નાનો શંકાસ્પદ હુમલો આવતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હેમ્પશાયરના બેસિંગસ્ટોકના 59 વર્ષીય ધન ગુરંગ બ્રિટિશ આર્મીના અન્ય નિવૃત્ત સૈનિકો સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. 1997 પહેલા નિવૃત્ત થયેલા ગુરખા સૈનિકોને બ્રિટનમાં જન્મેલા સભ્યોને મળતા પેન્શન કરતા ઓછું પેન્શન મળે છે.
શ્રી ગુરંગ સાથે સાથી સૈનિક 63 વર્ષીય સાથી જ્ઞાનરાજ રાય અને 59 વર્ષીય ગુરખા વિધવા પુષ્પા રાણા ખાલે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દેખાવો કરવામાં જોડાયા હતા. આ ત્રણેય જણાએ અગાઉ બીબીસીને કહ્યું હતું કે ભૂખ હડતાલ એ “છેલ્લો ઉપાય” હતો, પરંતુ જો તેમની સાથે સમાન વર્તન કરવામાં નહિં આવે તો તેઓ “મરવા માટે પણ તૈયાર હતા”. ગુરખાઓએ બે વિશ્વયુદ્ધોમાં અને છેલ્લા 50 વર્ષમાં હોંગકોંગ, મલેશિયા, સાયપ્રસ, ફોકલેન્ડ્સ, કોસોવો, ઇરાક અને અફઘાનિસ્તાનમાં બ્રિટીશ સેનાની સેવા કરી છે.
1997 પહેલા નિવૃત્ત થયેલા ગુખા લોકોને ગુરખા પેન્શન યોજના (જીપીએસ) અંતર્ગત ભારતીય સેનાના દરો પર આધારિત પેન્શન મળે છે. ગુરંગને 1994માં મહિને £20 પેન્શન મળતું હતું. તેઓ સરકારને “207 વર્ષના ઐતિહાસિક અન્યાયને ઉકેલવા વિનંતી કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે.
એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે “અમે ગુરખાઓએ બ્રિટિશ આર્મીને આપેલા વિશાળ યોગદાનની ખૂબ કદર કરીએ છીએ, અને સુનિશ્ચિત કરીએ છીએ કે નેપાળમાં નિવૃત્તિ દરમિયાન તેમને ઉદાર પેન્શન અને તબીબી સંભાળ આપવામાં આવે છે.”