અઢી વર્ષ પહેલા લુટનમાં ડંસ્ટેબલ રોડ પર ડર્બી રોડના જંકશન નજીક ફૂટપાથ પર ચાલી રહેલા 74 વર્ષના વૃધ્ધ ગુરૂદયાલ સિંઘ ધાલીવાલને બીએમડબ્લ્યુ કાર પેવમેન્ટ પર ચઢાવી, ટક્કર મારી મોત નિપજાવી ભાગી છૂટેલા કાર ડ્રાઇવર હસન જાવૈદને ચાર વર્ષની જેલની સજા કરી તેને સાત વર્ષ ડ્રાઇવિંગ કરવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.
29 ઓક્ટોબર 2018ના રોજ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગુરૂદયાલ ધાલીવાલનું સારવાર દરમિયાન તેજ દિવસે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. લુટનના હેહર્સ્ટ રોડ પર રહેતા 23 વર્ષીય જાવિદે લુટન ક્રાઉન કોર્ટમાં સુનાવણી વખતે ખતરનાક ડ્રાઇવિંગ દ્વારા ગુરૂદયાલ સિંઘનું મૃત્યુ નિપજાવ્યું હોવાની અને વીમા વગર કાર ચલાવી હોવાનું સ્વીકાર્યું હતું.
અદાલતે સાંભળ્યું હતું કે જાવેદે કાર પરનો કાબુ ગુમાવતા કાર ફૂટપાથ પર ચઢી ગઇ હતી અને શ્રી ધલીવાલને ગંભીર ઇજાઓ થઇ હતી. તે સમયે જાવેદ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો પરંતુ સાંજે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.
લુટનના લેન્સડાઉન રોડના 31 વર્ષીય એનૈદ સાગીરે બીએમડબ્લ્યુ કારની ચોરી થઇ હોવાની જાણ કરી હતી અને તે જ દિવસે જુઠ્ઠી ફરિયાદ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં તેના ટ્રાયલના પહેલા જ દિવસે તેને દોષી ઠેરવી ન્યાયનો માર્ગ અવરોધવા બદલ 10 મહિનાની જેલની સજા કરવામાં આવી હતી.
શ્રી ધાલીવાલના પરિવારે તેમના દાદાને મદદ કરવાનો પ્રયાસ કરનાર “દયાળુ સમારિટન્સ”નો આભાર માનતા જણાવ્યું હતું કે ‘’તેઓ સમુદાયમાં જાણીતા હતા. તેમના નિધનથી અમારૂ વિશ્વ છૂટૂ પડી ગયું છે, અને કાયમ બદલાઈ ગયું છે. અમે જીવીશું ત્યાં સુધી અમે તે રોડ પરથી પસાર થઇશું ત્યારે તે અમને યાદ રહેશે.” શ્રી ધાલીવાલ 55 વર્ષથી લુટનમાં રહેતા હતા.
સાર્જન્ટ માર્ક ડૉલાર્ડે કહ્યું હતું કે “શ્રી ધાલીવાલનું મૃત્યુ જોખમી અને અવિવેકી ડ્રાઇવિંગને કારણે થયું હતું. તે દિવસે જાવિદ અને સાગીરે જુઠ્ઠાણું ચલાવીને ન્યાયથી બચવા માટે પ્રયાસ કર્યો હતો.