ગુજરાતમાં અમદાવાદ સહિતના નાનાં મોટા શહેરો અને ગામડાઓમાં નવરાત્રિનો તહેવાર દર વર્ષે ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. એક તરફ શેરી, સોસાયટી અને પોળામાં ટ્રેડિશનલ ગરબાની ધૂમ મચતી હતી. તો, બે ડઝનથી વધુ પાર્ટી પ્લોટોમાં યુવા ધન શક્તિની ભક્તિના ભાવ સાથે મન મુકીને ગરબે ઘુમતા હતા.
પણ આ વર્ષે કોરોનાના કારણે ખેલૈયાઓ અને માઇભક્તોના ઉમંગ પર પાણી ફરી વળી વળ્યું છે પણ, આ વર્ષે માત્ર આરતી જ કરવાના આદેશથી માઈભક્તો મનમાં રંજની લાગણી પણ અનુભવી રહ્યાં છે. જો કે, પાર્ટી પ્લોટોમાં ગરબા ન હોવા છતાં રાતે ટહેલવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.
લોકોની અવરજવર અંકુશિત કરવા ઉપરાંત આરતી કર્યાં પછી લોકો પોતપોતાના ઘરે જાય અને સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે પોલીસ સક્રિય બની છે. ગરબા વગરની નવરાત્રિનો પ્રારંભ ઝાંખો લાગી રહ્યો છે પણ પોલીસ ફોર્સનેે મોટીરાત સુધી સ્ટેન્ડ-ટુ રહી પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આજે વિડિયો કોન્ફરન્સ યોજી ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં કોરોના અટકાવવા માટે લોકો સોશિયલ ડીસ્ટન્સ જાળવે તે જરૂરી છે.
સોસાયટીઓમાં આરતી કરવા માટે પોલીસની મંજુરી લેવાની જરૂર નથી. પરંતુ, 200થી વધુ લોકો એકત્ર થાય અને એક કલાકમાં આરતીનું સમાપન ન થાય તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. પોલીસનો હેતુ કોરોનાનો રોગચાળો અંકુશમાં રાખવાનો છે.