અમેરિકામાં ગન હિંસાને અંકુશમાં લેવા માટેનો કાયદો ઘડવાની માગણી સાથે શનિવાર (11 જૂન)એ વોશિંગ્ટનમાં હજારો લોકોએ દેખાવો કર્યા હતા. સમગ્ર દેશમાં લોકોએ ગન કંટ્રોલ કાયદાની તરફેણ કરીને રેલીઓ કાઢી હતી.
દેશની રાજધાનીમાં ‘માર્ચ ફોર અવર લાઇવ્સ’ ના આયોજકોના અંદાજ મુજબ વોશિંગ્ટન મોન્યુમેન્ટ નજીક નેશનલ મોલ ખાતે 40,000 લોકો એકઠા થયા હતા.પાર્કલેન્ડમાં 2018ના હત્યાકાંડના બચી ગયેલા વિદ્યાર્થીઓએ દ્રારા ગન સેફ્ટી ગ્રૂપની રચના કરવામાં આવી છે.
અમેરિકામાં ફાયરિંગની વધતી જતી ઘટનાઓ પછી ગન કંટ્રોલના કાયદાની માગણી ઉઠી છે. હજારો લોકોએ દેશભરમાં ગન કંટ્રોલની માગણી સાથે દેખાવો કર્યા હતા. વોશિંગ્ટનમાં લોકોએ સૂત્રોચ્ચાર કરીને કડક કાયદો બનાવવાની રજૂઆત કરી હતી. ગન રિફોર્મ નામના સૂત્ર સાથે અમેરિકાના ૩૦૦ જેટલા સ્થળોએ દેખાવો શરૂ થયા હતા.
રેલી યોજતા સંગઠન માર્ચ બોર્ડના ચેરમેને કહ્યું હતું કે વોશિંગ્ટન ઉપરાંત પણ દેશભરમાં ૩૦૦ સ્થળોએ રેલી યોજાશે. ગન કંટ્રોલ કરવાની માગણી ફરીથી ઉઠી છે અને એ માટે હવે સાંસદોએ લોકોના મતને ધ્યાનમાં રાખવો પડશે. દેખાવકારોએ આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓ લોકહિતમાં એકમત થાય. નહીંતર હવે પછીની ચૂંટણીમાં ગન રિફોર્મનો વિરોધ કરનારા નેતાઓ ન ચૂંટાય તે માટે પણ કેમ્પેઈન ચલાવીશું. શૂટિંગમાં જે અમેરિકનોએ સ્વજનો ગુમાવ્યા છે તેમણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકાના નેતાઓ ગન લોબીને બદલે લોકોની માગણીને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરે.
અમેરિકાના પ્રતિનિધિ ગૃહમાં ગન કંટ્રોલ બિલ પસાર થઈ ગયું છે, પરંતુ રિપબ્લિન પાર્ટીની બહુમતી ધરાવતા ઉપલા ગૃહમાં બિલ પાસ થાય એવી શક્યતા નથી.તેથી તેમના પર દબાણ ઉભુ કરવા અમેરિકાના નાગરિકોએ પ્રદર્શનો શરૂ કર્યા છે.૨૦૧૮થી આ સંગઠન ગન કંટ્રોલના કાયદા માટે પ્રદર્શનો કરે છે. અગાઉ થયેલા પ્રદર્શનો વખતે પોલીસે બળપ્રયોગ અને ફાયરિંગ પણ કર્યું હતું.