Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning

ઓડિસામાં આવેલા ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને સોમવાર, 28 સપ્ટેમ્બર અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. રવિવાર, 26 સપ્ટેમ્બરે આગામી 10-12 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. રાજ્યમાં સોમવાર 27 સપ્ટેમ્બર સુધીમાં આશરે 83 ટકા વરસાદ નોંધાયો હતી. રવિવાર અને સોમવારે રાજ્યના 147 તાલુકામાં મેઘમહેર થઈ હતી.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધી લેન્ડ ફોલ થયા બાદ લો પ્રેશર સ્વરુપે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું હતું. આ વાવાઝોડની અસર આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા હતી જેને કારણે ગુજરાતમાં પણ તૈયાર થનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 27 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગે આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિએ પવન અને ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તેમાં પણ આગામી 28-29 સપ્ટેમ્બરે સાઇક્લોનિક અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ 27મી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

હવામાન વિભાગની આગાહી અનુસાર 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે 29 સપ્ટેમ્બરના રોજ 40થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

આગામી 30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ

અમદાવાદમાં સોમવારની સવારે કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ સાથે આશરે બે ઇંચ સુધી વરસાદ તૂટી પડ્યો હતો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શાસ્ત્રીનગરમાં રસ્તા પર પડેલા ખાડામાં બીઆરટીએસ બસ ફસાઈ જવાની પણ ઘટના બની હતી. શહેરના સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. અમદાવાદના વિરમગામ સહિત આસપાસના વિસ્તારો અને ગાંધીનગર તથા તેની આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો હતો.

ડીસામાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

રવિવારે વરસાદ માટે તરસી રહેલા ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ આસપાસના ગામમાં થી સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. ડીસા અને આજુબાજુના ગામમાં સતત વરસાદથી ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થઈ હતા અને ખેડૂતોએ ઉભા પાકને ભારે નુકસાન થશે તેવી ફરિયાદ કરી હતી. ડીસા પાસે આવેલા બીવાડા ગામમાં પગ લપસતા અને તળાવમાં પડી જવાના કારણે રમેશ ઠાકોર નામના વ્યક્તિનું મોત થયું હતું. ડીસામાં રવિવારે સવારે ત્રણ કલાકની અંદર પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે અનાજ સહિતના માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

દાંતીવાડામાં પણ માત્ર બે કલાકમાં લગભગ છ ઈંચ

ડીસામાં સિંધી કોલોની, સંત અન્ના હાઈસ્કૂલ, લાલચલી જેવા વિસ્તારો સહિત અન્ય જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું હતું. કેટલાક અંદાજ પ્રમાણે, આ વિસ્તારના લગભગ 300 ખેતરો, જેમાંથી મોટાભાગમાં મગળફળી ઉગાડી હતી, તે વરસાદના પાણીમાં ડૂબી ગયા હતા. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ખેતરોમાં પાણીનું સ્તર આશરે ત્રણથી ચાર ફૂટ હતું. દાંતીવાડામાં પણ માત્ર બે કલાકમાં લગભગ છ ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેર અને નજીકના ગામના લોકોનું સામાન્ય જનજીવન ખોરંભાયુ હતું. બનાસકાંઠામાં હજી પણ 24 ટકા વરસાદની અછત છે. જ્યારે પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં અનુક્રમે 15%, 30% અને 27%ની અછત છે. અરવલ્લી જિલ્લાના ગજેરા ગામમાં વીજળી પડતા એક ગાયનું મોત થયું હતું. ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદ પડ્યો હતો.

મહેસાણામાં 2 કલાકમાં  2 ઈંચ વરસાદ

મહેસાણા જિલ્લામાં 25 સપ્ટેમ્બરથી સતત બે દિવસ વરસાદી માહોલ જામ્યો હતો. સોમવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યાં બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા. મહેસાણા તાલુકામાં સૌથી વધુ 49 મિ.મી વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ધરોઈ ડેમમાં ઉપરવાસથી પાણી આવતા હાલ ધરોઈ ડેમમાં પણ નવા નીરની આવક થઈ હતી.

સુરત શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ

દક્ષિણ ગુજરાતના સુરતમાં સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક 19 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરમાં મોસમના 55 ઇંચ સાથે 100 ટકા વરસાદ થયો હતો. 2019માં 67 ઇંચ અને 2020માં 87 ઇંચ વરસાદ નોંધાયો હતો. ચાલુ સિઝનમાં જુન, જુલાઇ અને ઓગસ્ટમાં કુલ 36 ઇંચ વરસાદ હતો. જ્યારે આ મહિને જ 19 ઇંચ વરસાદ સાથે સિઝનનો 35 ટકા વરસાદ પડી ગયો હતો. 27 સપ્ટેમ્બરે સુરતમાં વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો હતો અને તેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

રાજયના 20 જિલ્લામાં સરેરાસથી વધુ વરસાદ

રવિવાર સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 13 જિલ્લાઓમાં વરસાદની અછત હતી. રાજ્યના અન્ય 20 જિલ્લાઓમાં સરેરાશ અથવા વધારે વરસાદ પડ્યો હતો. દાહોદ અને અરવલ્લીમાં 38% અને 37%ની સાથે સૌથી વધારે અછત હતી. તાપી અને ડાંગ દક્ષિણ ગુજરાતના માત્ર બે એવા જિલ્લા છે જ્યાં વરસાદની અછત છે. રવિવાર સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં રવિવાર, 27 સપ્ટેમ્બરે 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો હતો.