દક્ષિણ ગુજરાતમાં 5,000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા
છ જિલ્લામાં શાળા-કોલેજો બંધ કરાઈ
રાજ્યમાં 3,250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન પાસેથી માહિતી મેળવી
છોટેઉદેપુરના બોડેલીમાં 21 ઇંચ, ડાંગમાં 12 ઇંચ, અમદાવાદ 18 ઇંચ
તમામ જિલ્લા કલેક્ટર્સને એલર્ટ રહેવા મુખ્યપ્રધાનનો આદેશ
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગયા સપ્તાહે બારે મેઘ ખાંગા થતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. છોટાઉદેપુરના જિલ્લાના બોડેલીમાં રવિવાર (10 જુલાઈ)એ સૌથી વધુ 21 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ભારે તારાજી સર્જાઈ હતી, જ્યારે અમદાવાદમાં પણ 18 ઇંચ સુધી વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તથા શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જુલાઈએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી. દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લા છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં પૂરને કારણે સ્કૂલ-કોલેજો બંધ કરાઈ હતી.
વલસાડ જિલ્લામાં ચાર દિવસ સુધી ભારે વરસાદને પગલે 5,000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં સત્તાવાળાએ લોકોનું સ્થળાંતર ચાલુ કર્યું હતું. જિલ્લાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ રેલના ધસમસતા પ્રવાહમાં NDRFની ટીમે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં 2000 જેટલા લોકો ફસાયા હતા, જ્યારે ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. આ ઉપરાંત શહેરના બરુડિયાવાડ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાયા હતા. આ ઉપરાંત વલસાડના હિંગરાજ ગામે હેલિકોપ્ટર દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ઔરંગા નદી કિનારે અને દરિયા નજીક આવેલા ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું બન્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેટલીક નદીઓના જળસ્તર ભયજનક સ્તરથી ઊંચે ગયા હતા અને નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં 3,250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો હતો. છોટાઉદેપુરમાં 400, નવસારીમાં 550 અને વલસાડમાં 470 લોકોને વરસાદના પાણીમાંથી રેસ્ક્યુ કરાયા હતા.
વલસાડના ઓરસંગ નદીના જળસ્તરમાં વધારો થતાં ભારે વિનાશ વેરાયો હતો. રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફની 13 અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફની) 16 ટીમો તૈનાત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યપ્રધાને ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં છેલ્લાં 48 કલાકમાં ભારે વરસાદ તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી
રાજ્યમાં 218 તાલુકામાં વરસાદ ખાબક્યો હતા, જેમાં બોડેલી, ક્વાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છેટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સાગબારા, સંખેડા, દેડિયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસદા, નડિયાદ, ગોધરા, સોજિત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જાંબુવા નદી ઉપરના પુલ ઉપર પાણી ફરી વળતા સાત ગામોને અસર પહોંચી હતી. બીજી બાજુ ઢાઢર નદી ગાંડીતૂર બનતા ડભોઇ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પાણીની આવક વધતા સપાટી 208 ઉપર પહોંચી હતી.
સિઝનનો 36 ટકા વરસાદ
10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સીઝનનો સરેરાશ 12 ઈંચ વરસાદ થયો હતો. કચ્છમાં અત્યાર સુધીમાં 11.75 ઈંચ વરસાદ થયો હતો, જ્યારે ઉત્તર ગુજરાતમાં 5.78, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો હતો.
13 જળાશય હાઇ એલર્ટ પર
રાજ્યમાં સોમવાર સુધીના છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની 207 જેટલી યોજનાઓમાં 40.24 ટકા જેટલો જળસંગ્રહ થયો હતો. સરદાર સરોવર જળાશયમાં 1,51, 586 એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો હતો, જે કુલ સંગ્રશક્તિના 45.37 ટકા છે. પાણીપુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર, 11 જળાશય 100 ટકા કે તેથી વધુ, 18 જળાશય 70થી 100 ટકા, 25 જળાશય 50 ટકાથી 70 ટકા, 101 જળાશયમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો હતો. 100 ટકાના જળસંગ્રહ ધરાવતાં બે જળાશય મળી કુલ 13 જળાશય હાઈ એલર્ટ પર, 80થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશય એલર્ટ પર તથા 70થી 80 ટકા ભરાયેલાં 7 જળાશય માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી હતી
અમદાવાદ જળબંબાકાર
અમદાવાદમાં રવિવાર (10 જુલાઈ)ની સાંજે અને રાત્રે ધમાકેદાર આશરે 14 ઈંચથી વધુ વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે સોમવારે શહેરની શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં છેલ્લા લગભગ દસ વર્ષમાં એક જ દિવસમાં 14 ઈંચ જેટલો વરસાદ પડવાની ઘટના નોંધાયા નથી.
રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારોમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે વાડજ, ઇન્કમટેકસ ,આશ્રમ રોડ વિસ્તારમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલ પાણીથી ભરાઈ જતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો અને દર્દીઓની પોલીસે બહાર કાઢ્યાં હતા. અમદાવાદમાં રવિવારે સાંજે અતિભારે વરસાદ વરસ્યો હતો. સાંજે સતત ચાર કલાક સુધી અમદાવાદમાં અવિરત વરસાદ વરસ્યા બાદ મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ અમદાવાદમાં શરૂ થયો હતો.
વેજલપુર, પ્રહલાદનગર, આનંદનગર, મકરબા, કોર્પોરેટ રોડ, મેમનગર, શ્યામલ રોડ, શાહીબાગ કેન્ટોન્મેન્ટ, સાયન્સ સિટી રોડ, વાળીનાથ ચોક જેવા વિસ્તારોમાં કલાકો બાદ પણ વરસાદી પાણી ના ઓસરતા લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. ભારે વરસાદને કારણે બિલ્ડિંગોમાં ભોયરામાં પાણી ભરાઈ ગયા હતા.
શહેરના પાલડી વિસ્તારમાં 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જીવરાજ પાર્કમાં તો ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરમાં 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ વરસાદ પડ્યો હતો. પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે પ્રહલાદનગર રોડ પર આવેલું ઔડાનું તળાવ પણ છલકાયું હતું. જો કે, વધુ પાણી ભરાતા તળાવની પાળી તૂટી જતાં વ્રજવિહાર એપાર્ટમેન્ટનો બેઝમેન્ટ પાર્કિંગ પ્લોટ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાર્કિગમાં પડેલા વાહનો લગભગ ડૂબી જ ગયા હતા.