ગુજરાતમાં દારુના દૂષણના નાથવા માટે તાજેતરમાં નટ સમાજ દ્વારા પણ એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સમાજ દ્વારા દારૂનું સેવન કરતા સમાજના લોકોને ગામમાં તૈયાર કરવામાં આવેલા પિંજરામાં કેદ કરવામાં આવે છે અને 1200 રુપિયા દંડ ભર્યા પછી જ છોડવામાં આવે છે.
સાણંદથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલા મોતિપુરા ગામમાં દારૂના દૂષણને રોકવા માટે આ અનોખી તરકીબ અજમાવવામાં આવી હતી. મોતિપુરા ગામમાં આ પ્રયોગની સફળતા જોઈને અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છના અન્ય 23 ગામો દ્વારા પણ આ પ્રયોગનો અમલ શરુ કરવામાં આવ્યો છે. જેલમાં પૂરવામાં આવેલા લોકો પાસેથી જે દંડની રકમ વસૂલ કરવામાં આવે છે તેનો ઉપયોગ સ્થાનિક સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમો માટે કરવામાં આવે છે.
ગુજરાતમાં નટ સમાજના આગેવાન અને મોતિપુરા ગામના સરપંચ બાબુભાઈ નાયક જણાવે છે કે, અત્યારે લગભગ 24 ગામમાં આ પ્રયોગને અજમાવવામાં આવ્યો છે. ગામમાં લગભગ 100-150 મહિલાઓ એવી હતી જે દારૂને કારણે વિધવા બની હોય. રસપ્રદ બાબત એ છે કે ગામમાં કોને દારૂની લત લાગી છે તેની ખબર મોટા ભાગે મહિલાઓ દ્વારા જ આપવામાં આવે છે. આ મહિલાઓના નામ જાહેર કરવામાં નથી આવતા, પરંતુ જે દંડની રકમ વસૂલ કરવામાં આવે છે તેમાંથી 501 અથવા 1100 રુપિયા ઈનામ તરીકે આપવામાં આવે છે.