ગુજરાતના 2002ના રમખાણોના કેસમાં નરેન્દ્ર મોદી અને બીજા લોકોને સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સત્ય ‘સોનાની જેમ ઝળકી’ને બહાર આવ્યું છે. મોદીએ તમામ રાજકીય નેતાઓ સમક્ષ બંધારણને કઈ રીતે અનુસરવું તેનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે. રમખાણો દરમિયાન ગુજરાતે સ્થિતિ કાબૂમાં લેવા આર્મી બોલવવામાં જરાય મોડું ના કર્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
રાજકારણ પ્રેરિત આક્ષેપો કરનારા લોકોએ માફીની માગણી કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે કે રમખાણો મામલે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પૂછપરછ પણ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના કોઈ કાર્યકર્તાએ તેનો વિરોધ નહોતો કર્યો, દેશભરમાં કોઈ કાર્યકર્તા તેમના સમર્થનમાં એકઠા નહોતા થયા. એટલું જ નહીં, જ્યારે મારી પોતાની ધરપકડ થઈ ત્યારે પણ અમે વિરોધ નહોતો કર્યો.રમખાણ થયા હતા તેનો કોઈ ઈનકાર નથી કરતું. આવી ઘટના દેશના અનેક ભાગમાં થઈ છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ કરાઈ ત્યારે કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન અંગે પક્ષને આડે હાથ લેતા શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે 2002ના રમખાણોની તપાસ કરી રહેલી SIT સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા, તે વખતે ભાજપે કોઈ ડ્રામા કે ધરણા નહોતા કર્યા. તેમણે કહ્યું હતું કે મોદીને આ પહેલી ક્લીન ચીટ નથી મળી, અગાઉ નાણાવટી કમિશન પણ તેમને ક્લીન ચીટ આપી ચૂક્યું છે. કાયદાકીય પ્રક્રિયામાં સૌએ વિશ્વાસ રાખવો જોઈએ તેમ જણાવતા શાહે કહ્યું હતું કે સુપ્રીમના આદેશથી SITની રચના થઈ હતી. SIT તત્કાલિન મુખ્યપ્રધાન મોદીની પૂછપરછ કરવા માગતી હતી અને તેઓ પોતે પણ તેના માટે તૈયાર હતા. તેવામાં ધરણા યોજવાનો કોઈ મતલબ નહોતો, કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.