આઈપીએલમાં આ વર્ષે ગુજરાતની ટીમની પ્લે ઓફ્સ સુધી પહોંચવાની તકો વધુ ને વધુ ધૂંધળી થતી જાય છે. રવિવારે ગુજરાત ટાઈટન્સનો ઘરઆંગણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 9 વિકેટે કારમો પરાજય થયો હતો. ગુજરાત ટાઈટન્સનું 10 મેચમાંથી ફક્ત ચારમાં વિજય અને 8 પોઈન્ટ સાથે ટેબલમાં સાતમા ક્રમનું સ્થાન રહ્યું હતું અને તેનો રનરેટ પણ માઈનસમાં છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સુકાની દિનેશ કાર્તિકે ટોસ જીતી ગુજરાતને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતે 3 વિકેટે 200 રનનો પડકારજનક કહી શકાય એવો સ્કોર કર્યો હતો. સાઈ સુદર્શનના અણનમ 84 અને એમ. શાહરૂખ ખાનના 58 તથા ડેવિડ મિલરના અણનમ 26 રન મુખ્ય રહ્યા હતા.
બેંગલોર તરફથી સ્વપનિલ સિંઘ, મોહમદ સિરાજ અને ગ્લેન મેક્સવેલે એક-એક વિકેટ લીધી હતી.
તેના જવાબમાં બેંગલોરે ઝંઝાવાતી શરૂઆત કરી હતી અને ચોથી ઓવરમાં તો 40 રન કરી નાખ્યા હતા. એ તબક્કે ફાફ ડુપ્લેસીની એક માત્ર વિકેટ ગુજરાતને મળી હતી, તે 12 બોલમાં 24 રન કરી સાઈ કિશોરનો શિકાર બન્યો હતો. બીજો ઓપનર વિરાટ કોહલી અને ત્રીજા ક્રમે આવેલા વિલ જેક્સે ગુજરાતના બોલર્સને મચક આપી નહોતી અને જેક્સે તો 41 બોલમાં 10 છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે અણનમ રહી સદી ફટકારી હતી.
જેક્સ અને કોહલીએ 12.1 ઓવરમાં ટાર્ગેટ પુરો કરી નાખ્યો હતો. કોહલી ત્રણ છગ્ગા અને છ ચોગ્ગા સાથે 44 બોલમાં 70 રન કરી અણનમ રહ્યો હતો. ગુજરાત માટે મોહિત શર્મા સૌથી મોંઘો સાબિત થયો હતો, તેણે બે ઓવરમાં 41 તથા સંદીપ વોરિયરે એક ઓવરમાં 15 રન આપ્યા હતા, તો રાશિદ ખાને ચાર ઓવરમાં 51 તથા નૂર એહમદે ચાર ઓવરમાં 43 રન આપ્યા હતા. કંગાળ બોલિંગના કારણે 200 રનનો પડકારજનક સ્કોર કર્યા પછી પણ ગુજરાતનો એકતરફી બનેલા જંગમાં નાલેશીભર્યો પરાજય થયો હતો.