ગુજરાતીઝ ઇન યુકે સંસ્થા દ્વારા કોવિડ-19 રોગચાળા અને તેની રસી અંગેની સાચી માહિતી આપવા માટે તાજેતરમાં ઝૂમ કૉન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ત્રણેય આમંત્રીત તબીબોએ ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી. આ મહત્વપૂર્ણ દોઢ કલાકની ઝૂમ મીટીંગને જોવા માટે 500 લોકો લૉગ ઇન થયા હતા જ્યારે 782 લોકોએ ફેસબુક પેજ પર તે જોઇ હતી.
રોગચાળાના છેલ્લા 9 મહિના દરમિયાન કોરોનાવાયરસ અને હવે તેની રસી વિષે ઘણી ખોટી માહિતી અને અફવાઓ પ્રસરી રહી છે. આ મીટીંગ દ્વારા લોકોને જવાબો અને સાચી માહિતી મળી હતી.
યુનિવર્સિટી ઑફ એક્સેટરના ચેપી રોગ નિષ્ણાત અને સિનિયર ક્લિનિકલ લેક્ચરર પ્રોફેસર ડૉ. ભરત પાનખણીયાએ જણાવ્યું હતું કે, “કૃપા કરીને તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ટોચ પર રાખો. પૂરતી કસરત કરો અને સારી ઉંઘ મેળવો. આ રસીની શોધ થઈ છે અને તે જીવન બચાવે છે. ચેપ નિયંત્રણમાં રાખવા જાતે ચેપ મેળવો નહિં કે અન્યને ચેપ લગાડો નહીં.”
ક્લિનીકલ ડાયરેક્ટર ફોર એલ્ડર્લી કેર અને રીહેબીલીટેશન ડો. યોગેનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “હું બધા સમુદાયને વિનંતી કરીશ કે જો તમને બોલાવ્યા હોય તો રસી જરૂર મેળવો. તે તમારું રક્ષણ તો કરે જ છે સાથે ખાતરી આપે છે કે તમારા સંવેદનશીલ, વૃદ્ધ અને કુટુંબના નાજુક સભ્યો પણ સુરક્ષિત છે. વ્યક્તિગત રૂપે, મેં રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને 2 અઠવાડિયામાં મારો બીજો ડોઝ મેળવીશ.’’
રોયલ ફ્રી હોસ્પિટલના ઇએનટી નિષ્ણાંત ડૉ. વિજેન્દ્ર ઇંગલેએ કહ્યું હતું કે “આપણે સામાજિક અંતર, નિયમિત હાથ ધોવા અને માસ્ક પહેરવા અંગે આપેલા માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ. જ્યાં સુધી દરેકને રસી ન મળે ત્યાં સુધી મુલાકાત ટૂંકી રાખો અને મેળાવડા નાના રાખો. સોશ્યલ મીડિયા પરના ખોટા અને ડરામણા સમાચારથી ભોળવાશો નહિ. જો શંકા હોય તો તમારા ડૉક્ટર અથવા ફાર્મસીસ્ટને વાત કરો.
ગુજરાતીઝ ઇન યુકે, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, ગીતા ફાઉન્ડેશન, છ ગામ નાગરિક મંડળ, લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, વિવેકાનંદ કેન્દ્ર દ્વારા આયોજન કરાયું હતું. જો તમે આ કાર્યક્રમ ચૂકી ગયા હો તો લિંક https://youtu.be/_nSPA67sOZg અને https://fb.watch/2Bx2XfMLIQ/ પર જોઇ શકાશે.