વિશ્વમાં ગુજરાતી એવો સમુદાય છે જેની ઉપસ્થિતિ અનેક દેશો અને જુદા જુદા ક્ષેત્રોમાં જોવા મળે છે. ફ્રાંસમાં તાજેતરમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બોલીવૂડમાંથી ઐશ્વર્યા રાય, પ્રીતિ ઝિન્ટા સહિતની ઘણી સેલીબ્રિટિઝની સાથે કેટલાક ગુજરાતી મૂળના ફિલ્મકારો, ઇન્ફ્લુએન્સર વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ વર્ષે અભિનેત્રી પીઢ અભિનેત્રી રત્ના પાઠક શાહથી લઇને મુંબઈના ગુજરાતી મૂળના ઈન્ફ્લુએન્સર રેડ કાર્પેટ પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પાયલ કાપડિયાને દિગ્દર્શનમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય ત્યાં મૂળ કોલકાતાની અભિનેત્રી અનસૂયા સેન ગુપ્તાએ આ ફેસ્ટિવલમાં અનસર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો હતો. અહીં એ ગુજરાતીઓ વિશે વિગતો રજૂ કરવામાં આવી હતી.
રત્ના પાઠક શાહ
રત્ના પાઠક શાહ, નસીરુદ્દીન શાહ અને પ્રતીક બબ્બર અભિનિક મંથન ફિલ્મ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં દર્શાવવામાં આવી હતી. ફેસ્ટિવલમાં ફિલ્મના કલાકારોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. રત્ના પાઠકનો જન્મ મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેઓ પીઢ અભિનેત્રી દિના પાઠકનાં દીકરી છે. રત્ના પાઠક શાહ બોલીવૂડ અને નાટ્યજગતમાં અભિનેત્રી અને દિગ્દર્શક તરીકે સક્રીય છે.
કોમલ ઠક્કર
મૂળ કચ્છની કોમલ ઠક્કર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરનારી પ્રથમ ગુજરાતી અભિનેત્રી છે. તે 2022માં ફ્રાન્સમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી.
વિરાજ ઘેલાણી
મુંબઈના રહેવાસી મૂળ ગુજરાતી ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી પણ આ ફેસ્ટિવલમાં દેખાયા હતાં. ઈન્સ્ટાગ્રામ પર વિરાજ ઘેલાણીનો ખૂબ જ મોટો ચાહક વર્ગ છે. તેમણે `જવાન` અને `ગોવિંદા નામ મેરા` જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ઉપરાંત વિરાજે ગુજરાતી વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે અને હવે તેઓ ‘ઝમકુડી’ સાથે ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યા છે.
હેલી શાહ
મૂળ અમદાવાદની ટીવી અભિનેત્રી હેલી શાહ અગાઉ 2022ના કાન ફિલ્મ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. હેલીએ સ્વરાગિની, સુફિયાના પ્યાર મેરા અને ઈશ્ક મેં મરજાવાં 2 જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે. તેણે ‘કાયાપલટ’થી ફિલ્મોમાં પદાર્પણ કર્યુ હતું. આ ફિલ્મનું પોસ્ટર ફેસ્ટિવલ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું હતું.
આસ્થા શાહ
આ ભારતીય કન્ટેન્ટ ક્રિએટર છે, જે પાંડુરોગથી પીડિત હોવા છતાં આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી હતી. તેણે રેડ કાર્પેટ પર વોક કર્યુ હતું. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી આસ્થા સોશ્યલ મીડિયા પર વિટિલિગો વિશે જાગૃતિ ફેલાવે છે.
જુહી પારેખ
ફિલ્મ નિર્માત્રી જુહી પારેખે પણ 2022ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તેણે પોતાની ફિલ્મ ‘સફેદ’ના ફર્સ્ટ લુકનું અનાવરણ ત્યાં કર્યું હતું. આ ફિલ્મનાં તેઓ સહ-નિર્માત્રી છે