24 વર્ષીય ગુજરાતી મૂળના યુવકને સાથે રહેતા વ્યક્તિના પાસપોર્ટનો ઉપયોગ કરીને સિંગાપોરથી ભાગવાના પ્રયાસમાં જેલ સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તેણે અનેક વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા ભાડાના કૌભાંડમાં પણ છેતરપિંડી કરી હતી પરંતુ પછી તે જામીન પર મુક્ત થયો હતો.

ધ સ્ટ્રેઇટ્સ ટાઈમ્સના રીપોર્ટ મુજબ પટેલ ધવલકુમાર ચંદુભાઈ નામના આ યુવકને પાસપોર્ટ એક્ટ હેઠળના એક સહિત પાંચ આરોપોમાં દોષિત ઠેરવ્યા પછી ગત ગુરુવારે 14 મહિના અને 14 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે અન્ય આરોપો ભાડા કૌભાંડ સંબંધિત હતા. મે 2022માં, ધવલ પટેલે દરેક ચાર પીડિતો પાસેથી 500 સિંગાપોર ડોલરની ભાડાની રકમની માંગણી કરી, જેઓ અભ્યાસ કરવા માટે સિંગાપોર ગયા હતા અને ઘરની શોધમાં હતા. તે જે યુનિટમાં રહેતો હતો તેમાં રૂમ ભાડે આપવા માટે દરેક પીડિત સાથે કરાર કર્યો હતો. નાણા મેળવ્યા પછી, ધવલ પટેલ મલેશિયાના ટૂંકા પ્રવાસે જતો હોવાના બહાને યુનિટમાંથી નીકળી ગયો હતો અને પછી તે ગાયબ થઇ ગયો હતો. મકાનમાલિકે પીડિતોને જણાવ્યું હતું કે, ધવલ પટેલે તેમનું માસિક ભાડું ચૂકવ્યું ન હતું અને તે ચૂકવવામાં વિલંબ કરવા માટે બહાના બતાવી રહ્યો હતો. પીડિતોને યુનિટ છોડવા માટે જણાવ્યા પછી તેમણે પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ધવલ પટેલ 29 મે ના રોજ સિંગાપોરથી ભારત જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે ચાંગી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી. તેણે પોતાનો પાસપોર્ટ સરન્ડર કર્યો અને તેને કોર્ટની મંજૂરી વગર સિંગાપોરની બહાર જવું નહીં તે શરતો સાથે 3 જૂનના રોજ જામીન પર મુક્ત કર્યો હતો.
માર્ચમાં ધવલ પટેલે તેના રૂમમાં સાથે રહેતા એક વ્યક્તિને જણાવ્યું હતું કે, તે નવો મોબાઈલ ફોન ખરીદવા ઈચ્છતો હોવાથી તેના પાસપોર્ટની જરૂર છે. પછી તેણે 20 માર્ચે દેશ છોડવાના પ્રયાસમાં ટુઆસ ચેકપોઇન્ટ ખાતે ઓટોમેટેડ પાસપોર્ટ કાઉન્ટર પર તેના સાથીના પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો.

જોકે, તેમાં વિગતો ખોટી જણાતા તેને ઇમિગ્રેશન ઓફિસર પાસે મોકલવામાં આવ્યો હતો. પછી ઈમિગ્રેશન ઓફિસરોને તેના મોબાઈલ ફોનમાંથી પોતાના પાસપોર્ટનો ડિલીટ કરેલો ફોટો મળ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હતી, તેવું ધ સ્ટ્રેઇટ્સ ટાઈમ્સના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

સિંગાપોરના કાયદા મુજબ, પ્રવાસ કે ઓળખ માટે અન્ય કોઇ વ્યક્તિના વિદેશી પ્રવાસ ડોક્યુમેન્ટનો ઉપયોગ બદલ ત્યાં 10 વર્ષ સુધીની જેલની સજા અને 10,000 સિંગાપોર ડોલર સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

LEAVE A REPLY