ફ્લોરિડાના 21 વર્ષીય રહેવાસી દીપ અલ્પેશકુમાર પટેલની ન્યૂયોર્કમાં અગ્રણી યહૂદી સંસ્થા- વર્લ્ડ જ્યુશ કોંગ્રેસને ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ઇન્ડિયન અમેરિકન દીપ પટેલે ગત 21 ઓક્ટોબરના રોજ યહૂદીઓને નિશાન બનાવીને કથિત ધમકીભર્યો વોઇસમેઇલ મોકલ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી, તેવું ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું. આ ધમકીભર્યા મેસેજની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી. વોઇસમેઇલમાં, દીપ પટેલે પોતાની ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે, “જો મને તક મળી હોત તો, તો હું તમારા દરેકે દરેક ઇઝરાયેલીની હત્યા કરી હોત. દરેક ઇઝરાયેલીનો સામૂહિક નરસંહાર કર્યો હોત.”
ફેડરલ તપાસકર્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ગુનાઇત ફરિયાદ એ માત્ર એક ઔપચારિક આરોપ છે, અને કાયદાની કોર્ટમાં જ્યાં સુધી કોઇ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તે દરેક વ્યક્તિને નિર્દોષ માનવામાં આવે છે. જો દીપ પટેલ આ આરોપમાં દોષિત ઠરશે તો તેને ફેડરલ જેલની વધુમાં વધુ પાંચ વર્ષની જેલ સજા થઈ શકે છે. જ્યારે પોલીસ અધિકારીઓએ દીપ પટેલની સારાસોટમાં તેના ઘરે પૂછપરછ કરી ત્યારે તેણે કોલ કર્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ કોઈને ધમકી આપવાનો ઈરાદો નહોતો તેવું કહ્યું હતું. દીપ પટેલે દાવો કર્યો હતો કે, તેણે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે કઠોર ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેણે કોઇને ધમકી કે ડરાવ્યા નહોતા.