નેવાર્કમાં પોતાની મેડિકલ ક્લિનિક ધરાવતા એક ગુજરાતી ડોક્ટરે ન્યૂજર્સી સ્ટેટ, સ્થાનિક હેલ્થ પ્રોગ્રામ તથા અન્ય વીમા કંપનીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું સ્વીકાર્યું છે. એટર્ની વિકાસ ખન્નાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ડોક્ટરે મેડિકલ દૃષ્ટિએ બિનજરૂરી પ્રીસ્ક્રિપ્શનના દાવા છેતરપિંડી પૂર્વક રજૂ કર્યા હતા.
ન્યૂજર્સીમાં વૂડબ્રિજના રહેવાસી, 51 વર્ષના સૌરભ પટેલને આ કેસમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા યુએસ ડિસ્ટ્રિક્ટ જજ રોબર્ટ બી. કગલર સમક્ષ રજૂ કરાયો હતો. તેને હેલ્થ કેર ફ્રોડનું ષડયંત્ર આચરવાના એક ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ અગાઉ સૌરભ પટેલ પર તેમના પારિવારિક સભ્ય અને વેસ્ટ ન્યૂયોર્કના રહેવાસી 52 વર્ષના કેવલ પટેલ સાથે આ પ્રકારનું જ ષડયંત્ર આચરવાનો આરોપ મુકાયો હતો. કેવલ પટેલ સામે પણ મની લોન્ડરીંગ કાવતરું ઘડવાનો, મની લોન્ડરીંગના મહત્ત્વના ગુનાઓ અને ફેડરલ એજન્ટ્સ સમક્ષ ખોટા નિવેદનો આપવાનો આરોપ મુકાયો હતો.
કોર્ટમાં રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ અને નિવેદનો અનુસાર સૌરભ પટેલ ડોક્ટર છે, તેઓ નેવાર્કમાં ક્લિનિક ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. ફાર્માસ્યુટિકલ્સ અથવા દવા અંગે જ્ઞાન કે માહિતી નહીં હોવા છતાં, કેવલ પટેલ અને તેમનાં પત્નીએ પ્રિસ્ક્રિપ્શન દવાઓ સહિત મેડિકલ પ્રોડક્ટ્સ અને સર્વીસીઝનું માર્કેટિંગ કરવા માટે એબીસી હેલ્ધી લિવિંગ એલએલસી (ABC) નામની કંપની બનાવીને તેનું સંચાલન કર્યું હતું. ફાર્માસ્યુટિકલ સેલ્સ રીપ્રેઝન્ટટેટિવ પોલ કરમાડાએ પણ એક કંપની બનાવી હતી અને કેવલ પટેલ સાથે કામ કર્યું હતું. કરમાડાને 6 જુલાઈ, 2021 ના રોજ કેમડેન ફેડરલ કોર્ટમાં ન્યાયમૂર્તિ કગલર દ્વારા હેલ્થ કેર કૌભાંડ અને મની લોન્ડરિંગ તથા ન્યાયમાં અવરોધ ઊભો કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને હવે સજા જાહેર થશે.
સૌરભ પટેલને આ ગુનામાં વધુમાં વધુ 10 વર્ષની જેલ સજા અને 250,000 ડોલરનો દંડ થવાની સંભાવના છે. તેને આ વર્ષે 23 જુનના રોજ સજા જાહેર થશે.