અમેરિકાના કેલિફોર્નિયામાં હત્યાના પ્રયાસ અને બાળ દુર્વ્યવહારની શંકાના આધારે ગુજરાતી મૂળના 41 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તેને પત્ની અને બે બાળકો સાથે ટેસ્લા કારને ઈરાદાપૂર્વક ખીણમાં ધકેલી દીધી હતી. ટેસ્લા આશરે 250 ફીટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટના કેલિફોર્નિયાથી 32 કિમી દૂર આવેલા ડેવિલ્સ સ્લાઇડ તરીકે ઓળખાતા વિસ્તારોમાં સોમવારે બની હતી.
આ ઘટનામાં તમામ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને ઈરાદાપૂર્વકની આ ઘટના હોવાનું લાગતા તેણે હત્યાના પ્રયાસ અને બાળ શોષણની આશંકાના આરોપોસર યુવકની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર કેલિફોર્નિયાના પાસાડેનામાં રહેતા ધર્મેશ એ. પટેલ નામના 41 વર્ષીય યુવકે ઈરાદાપૂર્વક પત્ની અને બે બાળકો સાથે ઊંચા પહાડો પરથી પોતાની ટેસ્લા કાર ખીણમાં ધકેલી હતી. આરોપી તથા તેના પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર બાદ આરોપીને જેલમાં ધકેલવામાં આવશે. આશરે 300 ફૂટ ઊંડી ખીણમાંથી તમામ લોકોને સલામત બચાવવાના આ કાર્યને પોલીસ અને સ્થાનિક અખબારોએ ચમત્કારીક ગણાવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલિંગના અધિકારીએ જણાવ્યું હતું કે પટેલ તેની પત્ની અને બે બાળકોને મેટો કાઉન્ટી સ્થિત ડેવિલ્સ સ્લાઈડ ખાતેથી ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. બચાવદળોએ ભારે જહેમત બાદ ધર્મેશ, તેની પત્ની, 4 વર્ષની પુત્રી અને 9 વર્ષના પુત્રને ખીણમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતાં. એક સ્થાનિક અખબારના અહેવા મુજબ ઘટનાના પુરાવાના આધારે આ ઈરાદાપૂર્વક કરાયેલું કૃત્ય હોઈ શકે છે. કેલિફોર્નિયાના વન અને અગ્નિશામક દળના અધિકારીના જણાવ્યાં અનુસાર આટલે ઊંચેથી ખીણમાં પડેલા લોકોનો જીવ બચવો એ ચમત્કાર જ કહી શકાય. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોને નજીવી ઈજા પહોંચી છે, તેનું કારણ કદાચ ચાઈલ્ડ સીટ હોઈ શકે છે. પોલીસના જણાવ્યાં અનુસાર પ્રથમ દૃષ્ટિએ આ અકસ્માત હોય તેમ નથી જણાતું, પરંતુ જાણી જોઈને કરાયેલું કૃત્ય જણાય છે. પોલીસ ધર્મેશ વિરુદ્ધ ત્રણ જણની હત્યાનો પ્રયાસ અને બાળ શોષણનો ગુનો દાખલ કરશે.