આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સવારે 6.00 વાગ્યે આશરે 7,500 લોકોની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં રાજ્યના 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 22 પ્રવાસન સ્થળ, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 પ્રવાસન સ્થળોનો સમાવેશ થતો હતો. રાજ્યમાં વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત સંખ્યાબંધ લોકોએ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા.
અમદાવાદમાં 44 ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતા. વડોદરામાં મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં લોકોએ યોગ કર્યા હતા.