લૉકડાઉનને પરિણામે ૪૫ દિવસથી રોજી વિના અટવાઈ ગયા હોવાથી અસ્વસ્થ થયેલા અંદાજે ૪.૨૫ લાખ શ્રમિકોને તમના વતન પહોંચાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ૧૦૧ જેટલી ટ્રેન મારફતે અંદાજે ૧.૨૧ લાખ જેટલા પરપ્રાન્તીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ માટે ૫૯, બિહાર માટે ૧૭, ઝારખંડ માટે ૨, ઓરિસ્સા માટે ૫, મધ્ય પ્રદેશ માટે ૫ ટ્રેન રવાના કરી છે.
ગુજરાત સરકારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં અટવાઇ ગયેલા ર૯પ૪૦ યાત્રિકો-વિધાર્થીઓને મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં ગુજરાત સહિસલામત પરત આવ્યા છે. ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુવ્યવસ્થિત ઢબે પાર પાડી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની સંપૂર્ણ વિગતો આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.
રૂપાણીએ આવા શ્રમિકોને વતન રાજ્ય જવા માટેની વ્યવસ્થા અંગે ભારત સરકાર સાથે પરામર્શમાં રહીને ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે વિશેષ ટ્રેન બીજી મે થી શરૂ કરાવી છે. તેમણે વિશેષ ટ્રેનોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા. ર મે થી તા. ૬ મે દરમ્યાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો સમાવેશ થાય છે.
આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લાતંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. વધુ ૩૪ વિશેષ ટ્રેન દોડાવી છે. તેમાં ઉત્તર પ્રદેશની ર૦, બિહારની ૪, ઝારખંડની ર, ઓરિસ્સાની પ, મધ્યપ્રદેશની ર અને છત્તીસગઢની ૧, ટ્રેન ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી, મહેસાણા, ગોધરા, જામનગર, જુનાગઢ જેવા સ્ટેશન્સથી રવાના થઈ છે.