(PTI Photo/Shahbaz Khan)

ગુજરાત ટાઈટન્સે રવિવાર (21 એપ્રિલ) ની બીજી મેચમાં પંજાબ કિંગ્સને તેના ઘરઆંગણે મુલ્લાનપુરમાં ત્રણ વિકેટે આસાનીથી હરાવી આ વર્ષે જ પોતાના ઘરઆંગણે પંજાબ સામેના પરાજયનો જાણે બદલો હતો. સુકાની સેમ કરને ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને પ્રભસિમરન સિંઘ સાથે 52 રનની સારી ઓપનિંગ ભાગીદારી દ્વારા ટીમને સારી શરૂઆત પણ આપી હતી.

જો કે, એ પછી ગુજરાતના સ્પિનર્સે બાજી પલટાવી નાખી હતી અને પંજાબ 20મી ઓવરના અંતે ફક્ત 142 રન કરીને ઓલઆઉટ થયું હતું. પ્રભસિમરનના 35, હરપ્રીત બ્રારના 29 અને સુકાની સેમ કરનના 20 રન મુખ્ય રહ્યા હતા, તો ગુજરાત તરફથી સાઈ કિશોરે ચાર ઓવરમાં 33 રન આપી ચાર તથા મોહિત શર્મા અને નૂર એહમદે બે-બે વિકેટ લીધી હતી. સાઈ કિશોરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

તેના જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 7 વિકેટે 146 રન કરી આઈપીએલ 2024માં 8 મુકાબલામાંથી પોતાનો ચોથો વિજય હાંસલ કર્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચેલી ગુજરાતની ટીમ નેગેટિવ રન રેટ ધરાવતી પ્રથમ ટીમ છે, તેની સામે ઉપરના એકથી પાંચ ક્રમ સુધીની ટીમો પોઝિટિવ રનરેટ ધરાવે છે.

ગુજરાત તરફથી રાહુત તેવટીઆના અણનમ 36, સુકાની શુભમન ગિલના 35 અને સાઈ સુદર્શનના 31 રન મુખ્ય હતા. તેવટીઆએ 200ના સ્ટ્રાઈક રેટથી ફક્ત 18 બોલમાં સાત ચોગ્ગા સાથે 36 રન કર્યા હતા, તો શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 35 કર્યા હતા. પંજાબ તરફથી હર્ષલ પટેલે 3, લિઆમ લિવિંગ્સ્ટને બે અને અર્શદીપ તથા સેમ કરને એક-એક વિકેટ લીધી હતી. પંજાબે છ બોલર્સ અજમાવ્યા હતા, જેમાં કાગિસો રબાડા ચાર ઓવરમાં 40 રન આપી એકપણ વિકેટ નહીં લઈ શકતા સૌથી મોંઘો સાબિત થયો હતો.

LEAVE A REPLY