ગાંધીનગર ખાતે સેમિકોનઇન્ડિયા ૨૦૨૩ના દ્વિતીય દિવસે આયોજિત સત્રમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યમિતા રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર તેમ જ ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. ભારત માટે, ભારતમાં, મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત સેમિ કન્ડકટર- ચિપ્સ ક્ષેત્રે ડિઝાઇન તેમજ ઉત્પાદન કરનાર કંપની- સંસ્થાઓને PLI હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ લાભ આપીને વધુને વધુ પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.

ભારતમાં સેમિ કન્ડકટર સેકટરને વધુને વધુ વેગ આપી રોજગારની સાથે દેશને આત્મનિર્ભર બનાવવા ભારતભરની ૩૦૦ જેટલી કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ ક્ષેત્રે ડિપ્લોમા, અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી અને રીસર્ચ સુધીના વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવનાર છે. ઉપરાંત આ ક્ષેત્રે કામ કરતી વિવિધ દેશ-વિદેશની કંપનીઓ અને રીસર્ચ સંસ્થાઓમાં પણ ઇન્ટર્ન-ટ્રેઈની તરીકે રસ‌ ધરાવતા યુવાનો કામ કરી શકે તેવી PPP ધોરણે વ્યવસ્થા ઊભી કરાશે. ભારતની પ્રતિષ્ઠિત IIT તેમજ IISc જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ ભવિષ્યમાં આ ક્ષેત્રે જોડાશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY