ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરવાનો આક્ષેપ કર્યો હતો. આરોપના સમર્થનમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો સ્ટીંગ ઓપરેશનનો એક કથિત વીડિયો પણ દર્શાવ્યો હતો, જેમાં સોમાભાઈ પટેલ ભાજપ સાથે ડીલની વાત કરતા નજરે પડે છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપે કરોડો રૂપિયા આપી કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરી છે. ભાજપના પાપે જ કોરોનાની મહામારી વચ્ચે 8 બેઠકો પર પેટા ચૂંટણી આવી છે. ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારના રૂપિયા દ્વારા પ્રજાના મતને ખરીદવામાં આવે છે.
કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે સ્ટિંગ ઓપરેશન કરીને આ વિડિયો લીધો હોવાનું માનવામાં આવે છે. જોકે, હાલમાં અંકિત બારોટ કોરોનાના કારણે ક્વોરન્ટીન હોવાનું સામે આવ્યુ છે. અંકિત બારોટ ગાંધીનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર છે.
જોકે કોંગ્રેસે જાહેર કરેલા કથિત વીડિયોને બનાવટી ગણાવીને સોમાભાઈ પટેલે કહ્યું હતું કે આ વીડિયો ખોટો છે. મને બદનામ કરવાનુ કાવતરુ છે. આ અંગેનો જવાબ મારા વકીલ આપશે. નોંધનિય છે કે હાલમાં ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી થઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ પેટાચૂંટણીને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે મનઘડત આક્ષેપો કર્યા છે તે બતાવવા હું હાજર થયો છું. જે વીડિયો વાઈરલ થયો તેમાં સોમાભાઈનો ચહેરો દેખાતો નથી. સોમાભાઈએ અધ્યક્ષનો ઉલ્લેખ કર્યો જ નથી. મારો ઉલ્લેખ માત્ર મિત્ર પૂરતો જ કર્યો છે. કોંગ્રેસના અધ્યક્ષે બેજવાબદાર બની મારા પર આક્ષેપ કર્યા છે. 15મી માર્ચે સોમાભાઈએ રાજીનામુ આપ્યું અને મેં જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સાંભળ્યો હતો.