ગુજરાતમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનને 28 દિવસ પૂરા થયા હોવાથી સોમવારથી વેક્સિનના બીજા ડોઝનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં રવિવાર સુધીમાં અંદાજે 11.23 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.. 11.23 લાખ લોકો પૈકી 7.92 લાખ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ હતા. હવે પ્રથમ ડોઝ લેનારને 28 દિવસ પછી બીજો ડોઝ આપવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં રસી લેનાર વ્યક્તિઓમાં સામાન્ય સિવાય કોઈ ગંભીર પ્રકારની આડઅસરના કિસ્સા નોંધાયા નથી. કોરોનાના દર્દીઓની સારવાર કરતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના દર્દીઓ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ અને અન્ય કર્મચારીઓ, હોસ્પિટલના સફાઈકર્મીથી લઈને લેબોરેટરીના સ્ટાફને રસી આપવાની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ હતી.
પ્રથમ તબક્કામાં અગ્રીમ હરોળના તબીબોએ પ્રથમ ડોઝ લીધો હતો. પંદર દિવસ બાદ ફ્રન્ટલાઈન વર્કર્સ એટલે કે, પોલીસ, મહેસૂલ, શહેરી વિકાસ હેઠળના મહાનગરપાલિકા, પાલિકા, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ માટે રસીકરણની શરૂઆત થઈ હતી.
રાજ્ય સરકારે જાહેર કરેલા આંક પ્રમાણે 11.23 લાખ લોકોને હવે બીજો ડોઝ આપવામાં આવશે. આ તરફ રાજ્યમાં કોરોનાનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે. રવિવારે 24 કલાકમાં રાજ્યમાં નવા 247 કેસ નોંધાયા હતા અને અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. રાજ્યના 11 જિલ્લા એવા છે જેમાં એક પણ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયો નથી.