અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવવાના સંકેત વચ્ચે સરકારે રાજયમાં અમેરિકી કોન્સ્યુલેટ સ્થાપવા માટે પણ દરખાસ્ત મુકી છે. આ માટે અમેરિકા સમક્ષ માંગ મુકવા માટે કેન્દ્ર સરકારને સૂચવ્યુ છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓનો વસવાટ છે. આવનજાવન પણ ઘણી છે ત્યારે ગુજરાતમાં અમેરિકી કોન્સ્યુલેટ શરૂ કરવા લાંબા વખતની માંગ પેન્ડીંગ છે તે ફરી આગળ ધરવામાં આવી છે.
અમેરિકી વિઝા મેળવવા માટે લોકોને મુંબઈ સુધી લાંબુ થવુ પહે છે. ગુજરાત સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકી પ્રમુખની ગુજરાત મુલાકાત વિશે હજુ કોઈ સતાવાર જાણ કરવામાં આવી નથી છતાં સુરક્ષા સહિતની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ટ્રમ્પની સૂચિત મુલાકાત વચ્ચે રાજયમાં અમેરિકી કોન્સ્યુલેટની લાંબા સમયની પેન્ડીંગ ડીમાંડ આગળ ધપાવવા કેન્દ્ર ને રજુઆત કરવામાં આવી છે. અમદાવાદ કે ગાંધીનગરમાં વિઝા કેન્દ્ર સ્થાપવાની માંગ છે.
તેઓએ કહ્યું કે અમેકિમાં વસતા પરિવારને મળવા સીનીયર સીટીઝનો પણ વખતોવખત અમેરિકા જાય છે. ગુજરાતને કોન્સ્યુલેટ વિઝા કેન્દ્ર મળે તો ગુજરાતીઓનું ટ્રમ્પને સમર્થન પણ વધી શકે છે. અમેરિકી કોન્સ્યુલેટ હાલ દિલ્હી, ચેન્નઈ, હૈદ્રાબાદ, કોલકતા અને મુંબઈમાં છે.એસોસીએશન ઓફ ઈન્ડિયન અમેરિક્નસ દ્વારા આ માટે સહી ઝુંબેશ પણ ચલાવી હતી. તેમાં અમેરિકામાં વસતા 8000 ગુજરાતીઓએ સહી કરી હતી. ટ્રમ્પના સૂચિત પ્રવાસ વખતે આ મુદો હાથ પર લેવા કેન્દ્રને સૂચવાયુ છે તેનાથી બન્ને દેશોના સંબંધો વધુ મજબૂત થઈ શકશે.