ગુજરાત યુનિવર્સિટીએ ઓવરસ્ટે બદલ અફઘાનિસ્તાનના છ વિદ્યાર્થીઓ અને પૂર્વ આફ્રિકાના એક વિદ્યાર્થીને તેની હોસ્ટેલના રૂમ ખાલી કરવાનો આદેશ આપ્યો છે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ પર હોસ્ટેલમાં નમાઝ અદા કરવા બદલ હુમલાની ઘટના પછી યુનિવર્સિટીએ આ કાર્યવાહી કરી હતી.
16 માર્ચના હુમલાના પછી અફઘાન અને ગેમ્બિયન પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને સલામતીનાં પગલાં અંગે વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરી હતી.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના છ વિદ્યાર્થીઓ અને પૂર્વ આફ્રિકાના એક વિદ્યાર્થીને તેઓ વધુ સમય રહેતા હોવાનું જણાતા તેઓને હોસ્ટેલના રૂમ ખાલી કરવા કહેવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને બાકી વહીવટી કાર્યને કારણે તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે હોસ્ટેલમાં રહેતા હતાં, યુનિવર્સિટીએ ખાતરી કરી છે કે તેઓને હવે હોસ્ટેલમાં રહેવાની જરૂર નથી અને તેઓને તેમના સંબંધિત દેશોમાં પરત ફરવાની વ્યવસ્થા કરી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે જરૂરી પેપરવર્ક પુરું કર્યું છે અને તેઓ હવે સુરક્ષિત રીતે તેમના વતન પરત ફરી શકશે. અમે અમારી હોસ્ટેલમાં કોઈપણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને રાખવા માંગતા નથી. અમે સંબંધિત દેશોના વાણિજ્ય દૂતાવાસને જાણ કરી છે, અને તેઓએ આ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં 300થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.