Gujarat on top in IPL, place in play offs almost assured
(ANI Photo/ IPL Twitter)

આઈપીએલમાં મે મહિનાના પહેલા સપ્તાહના અંતે ગુજરાત ટાઇટન્સે પોઈન્ટ્સ ટેબલમાં 16 પોઈન્ટ્સ (11 મેચમાંથી 8માં વિજય, 3માં પરાજય) સાથે ટોપ પોઝિશન જાળવી રાખી પ્લે ઓફ્સના તબક્કા માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કર્યું હતું. રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સને 56 રને જંગી શિકસ્ત આપી ગુજરાતે ડીફેન્ડીંગ ચેમ્પિયન્સ તરીકેના પોતાના દરજ્જાને છાજે તેવો દેખાવ આ વખતે પણ આગળ ધપાવ્યો છે. 

રવિવારે ઘરઆંગણે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સે બે વિકેટે 227 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. પહેલા બેટિંગ કરતાં ગુજરાતના બે ઓપનર્સ – રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે જ 12 ઓવરમાં 142 રનની ઝંઝાવાતી ભાગીદારી કરી હતી. સાહા 43 બોલમાં ચાર છગ્ગા અને 10 ચોગ્ગા સાથે 81 રન કરી વિદાય થયો હતો. એના પછી સુકાની હાર્દિક પંડ્યા 15 બોલમાં 25 રન કરી વિદાય થયો હતો. શુભમન ગિલ 51 બોલમાં 94 અને ડેવિડ મિલર 12 બોલમાં 21 રન કરી અણનમ રહ્યા હતા. લખનઉના સુકાની કૃણાલ પંડ્યાએ 8 બોલર્સ અજમાવ્યા હતા, પણ એક ઓવરમાં 7 રન આપી સ્વપ્નિલ સિંઘ સૌથી કરકસરયુક્ત રહ્યો હતો, તો માર્કસ સ્ટોઈનિસ એક ઓવરમાં 20 રન આપી સૌથી વધુ મોંઘો સાબિત થયો હતો. મોહસિન ખાન અને અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી. 

જવાબમાં લખનઉની ટીમની શરૂઆત તો સારી રહી હતી અને બન્ને ઓપનર્સે 88 રનની ભાગીદારી સાથે મજબૂત પાયો નાખ્યો હતો, એ પછી 130 રને ત્રીજી વિકેટ પડ્યા પછી બાજી તેમના હાથમાંથી સરકી ગઈ હતી. કાયલ માયર્સે 48 અને ક્વિન્ટન ડીકોકે 70 રન કર્યા હતા, પણ તે સિવાય બાકીના બેટર્સ કઈં ખાસ કરી શક્યા નહોતા. એકંદરે લખનઉની ટીમ 20 ઓવર્સમાં સાત વિકેટે ફક્ત 171 રન સુધી જ પહોંચી શકી હતી. મોહિત શર્માએ 29 રનમાં ચાર વિકેટ ખેરવી હતી. અણનમ 94 રન કરનારા ગુજરાતના ઓપનર શુભમન ગિલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  આ વર્ષે લખનઉ સામે ગુજરાતનો આ બીજો વિજય છે. 

LEAVE A REPLY