આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સ ટીમે પોતાનું ધમાકેદાર પ્રદર્શન જારી રાખતા આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન ખાતે મંગળવારે રમાયેલી પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોસ બટલરના 89 રનની ઈનિંગ્સ તથા સુકાની સંજૂ સેમસનની આક્રમક બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે 20 ઓરમાં છ વિકેટે 188 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો.
આ લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાતના બેટર્સે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમે 19.3 ઓવરમાં ત્રણ વિકેટે 191 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાતને જીતવા માટે અંતિમ ઓવરમાં 16 રનની જરૂર હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ કરેલી ઓવરના પ્રથમ ત્રણ બોલ પર ડેવિડ મિલરે સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 68 રનની અણનમ અને મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. જોકે, રાજસ્થાનને હજી પણ ફાઈનલમાં પહોંચવાની તક છે. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર રમાશે. આ મેચની વિજેતા ટીમ એલિમિનેટરમાં પહોંચશે અને આ ટીમનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે.