ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમ નજીક કેવડિયા પાસે, સરદાર વલ્લભભાઈ પટેલની સ્થાપિત કરાયેલી દુનિયામાં સૌથી ઉંચી પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનીટીને, શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને દુનિયાની ઉત્તમ ૮ અજાયબીમાઓમાંની એક અજાયબી તરીકે સ્થાન આપ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણને હજુ તો, ગણતરીના ૧૫ મહિના પૂરા થયાં છે ત્યાં તો, અનેક વિક્રમ સર્જાયા છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરે, તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના મહાસચિવ વાલ્દિમીર નેરોવ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબી તરીકે સામેલ કરવામાં આવી છે. ગુજરાત સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠ અજાયબીઓમાં સ્થાન મળવાથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું ત્યારબાદ, દેશ-દુનિયાનાં લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બહોળી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં પણ દેશ-વિદેશના ઘણાં જૂના સ્મારકોને પાછળ પાડી દીધા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ ૧૦૦ જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૯માં જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વનાં ૧૦૦ જાણીતા મુલાકાત લેવા જેવા સ્થળોની યાદીમાં સ્થાન આપ્યું છે. એવામાં ગુજરાત અને ગુજરાતીની ઓળખ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર આપણું ગૌરવ વધાર્યું છે.