ગુજરાતમાં કોરોના વાયરસ સામેની લડાઇને નિર્ણાયક તબક્કામાં લઇ જવાના ભાગરૂપે સોમવારે, 14 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘ટેસ્ટ ઈઝ ધ બેસ્ટ’ ના સૂત્ર સામે માસ ટેસ્ટીંગ અભિયાન શરૂ કર્યું છે. કોરોના મહામારીના છ મહિનામાં પહેલી વખત મુખ્યપ્રધાને જાહેરમાં એન્ટીજેન ટેસ્ટ કરાવી તેનો વીડિયો સોશીયલ મીડિયામાં મુક્યો છે અને એમાં તેમણે સૌ નાગરિકોને આગ્રહભરી અપીલ કરી છે કે, ‘હું પણ ટેસ્ટ કરાવું છું, તમે પણ કરાવજો.’
‘ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ’ એમ કહી રૂપાણીએ સૌને કોરોનાના વાયરસથી ડરવાને બદલે ટેસ્ટ કરાવી કોરોના વાયરસથી મુક્ત છો કે કેમ તે જાણી લેવા સૂચન કર્યું છે. રાજ્યભરમાં કોરોનાના રેપિડ એન્ટીજેન ટેસ્ટ સરકાર દ્વારા નિ:શુલ્ક કરવામાં આવે છે. રૂપાણીનું માનવું છે કે, હાલ રાજ્યભરમાં દૈનિક ૭૦,૦૦૦થી વધુ ટેસ્ટ કરી કોરોનાના દર્દી શોધવા પ્રયાસ થાય છે, પરંતુ પોઝિટિવ કેસ ૧૩૦૦ જેટલા મળે છે. એટલે દરેકને કોરોના થયો છે અથવા તો કોરોના હશે તો શું ? એવી ચિંતામાં રહેવાનું કારણ નથી.