20 વર્ષ અગાઉના ગુજરાતના કોમી રમખાણોની એનિવર્સરી નિમિત્તે યુકેની પાર્લામેન્ટમાં ચર્ચા દરમિયાન, લેબર પાર્ટીના એમપીએ તે વખતે રમખાણોનો ભોગ બનેલા ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃતદેહો પરત લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબ ઇન્ડિયન હાઈ કમિશને જણાવ્યું હતું કે, આ બાબતે તેમનો હજુ સુધી કોઇપણ વ્યક્તિએ સંપર્ક કર્યો નથી.
યુકેની પાર્લામેન્ટમાં 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોનો મામલો યુકેની સંસદમાં એક મહિલા એમપી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ગયા સપ્તાહે બુધવારે (9 ફેબ્રુઆરી) લેબર પાર્ટીનાં એમપી કિમ લીડબીટરે જણાવ્યું હતું કે, આ રમખાણોમાં ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃત્યુ થયા હતા અને તેમને મૃતદેહો ભારતે પરત કરવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, યુકે સરકારે આ અંગે ભારતને પૂછવું જોઇએ કે કયા સંજોગોમાં તેમના મૃત્યુ થયા હતા. એમપી કિમ લીડબીટર યોર્કશાયરના બેટલી અને સ્પેનનું પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કરે છે અને આ ત્રણ મૃતકોના પરિવારજનો તેમના વિસ્તારના રહેવાસી છે.
એમપીની માગણી અંગે એશિયા બાબતોના પ્રધાન અમાન્ડા મિલિંગે જણાવ્યું હતું કે, બ્રિટિશ નાગરિકોના મૃતદેહોને પરત લાવવાની માંગણીનું સરકાર સમર્થન કરે છે.પાર્લામેન્ટમાં આ અંગે થયેલી ચર્ચાને ધ્યાનમાં લેતા લંડન સ્થિત ઇન્ડિયન હાઇ કમિશને જણાવ્યું હતું કે, આ અંગે માહિતી મેળવવામાં આવી છે, પરંતુ મૃતકોના પરિવારોએ આ અંગે અત્યાર સુધી સંપર્ક કર્યો નથી.
આ અંગે હાઇ કમિશનના પોલિટિકલ, પ્રેસ અને ઇન્ફર્મેશન બાબતનો મિનિસ્ટર વિશ્વેશ નેગીએ વધુમાં જણાવ્યું હતું કે, વેસ્ટમિન્સ્ટરના એક હોલમાં યોજાયેલી ચર્ચા અને તે બાબતની નોંધ લીધી છે, તે વીસ વર્ષ અગાઉ ભારતમાં બનેલી દુઃખદ ઘટનાઓ સંબંધિત છે, જેમાં ગુજરાતમાં પેઢીઓથી બાજુમાં રહેતા સમૂદાયોના ઘણા સભ્યોના મૃત્યુ થયા હતા. આ મુદ્દો ઉઠાવનાર એમપી, બ્રિટિશ મૃતકોના પરિવારજનો સહિત અન્ય કોઇએ હાઈ કમિશનનો આ બાબતે સંપર્ક કર્યો નથી. આ ચર્ચામાં ભાગ લેનાર વિવિધ એમપી દ્વારા વ્યાપક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે 2002થી ભારતની સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ, આ કેસમાં કાયદાની યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી છે.
એ બાબત સર્વ વિદિત છે કે, ભારતની વિવિધ સરકારો હેઠળ, આ રમખાણોની ઘટનાઓની તપાસની સતત સંસદીય અને ન્યાયિક રીતે થઇ રહી છે, તે અંગે ભારતની સંસદમાં મુક્ત ચર્ચાઓ થઈ છે. એક પરિપક્વ લોકશાહીની જેમ, ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રીપોર્ટ સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2002માં ગોધરાકાંડ થયા પછી ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં ત્રણ બ્રિટિશ નાગરિકોના મોત થયા હતા. તેઓ 28 ફેબ્રુઆરી 2002ના રોજ તાજમહેલ જોઇને વતન જઇ રહ્યા હતા ત્યારે ગુજરાતની સરહદ પર તેમને રોકીને તેમની હત્યા કરવામાં આવી હતી.