આજે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે સ્ટેટ ઇર્મજન્સી કંટ્રોલ રૂમમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે સમીક્ષા બેઠક કરી હતી. એક બાજુ નર્મદા નદી ઉફાન પર છે તો બીજા બાજુ કચ્છથી કોડિનાર અને વાપીથી વડનગર સુધી ચોમેર પાણી જ પાણી છે. તેવામાં રાજ્યમાં અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો 120 ટકા વરસાદ ખાબકી ગયો છે.
જેમાં સૌથી વધારે કચ્છમાં 251.66 ટકા વરસાદ પડ્યો છે.રાજ્યમાં હાલમાં 154 જળાશયો હાઇએલર્ટ પર છે, તેમજ 2 જળાશયો એલર્ટ પર છે. રાજ્યની 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફલો થયા છે. દરમિયાન રાજ્યમાં સારા વરસાદના કારણે 97.74 ટકા જેટલું વાવેતર પણ થયું છે. જોકે, આ બધાની વચ્ચે ખેડૂતોમાંથી લીલા દુષ્કાળની રાડો પડી રહી છે. ઠેકઠેકાણે ખેતી બરબાદ થઈ ગઈ છે.
રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે. હાલ 13 NDRFની ટીમો અને SDRFની બે ટીમો સંબધીત જિલ્લાઓમાં તૈનાત છે. તે ઉપરાંત NDRF-SDRFની અન્ય 11 ટીમો સ્ટેન્ડબાય-રિઝર્વ રાખવામાં આવી છે.ડૉ.પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં 94 તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો 10000 મીમી થી વધુ વરસાદ વરસ્યો છે.
એ જ રીતે 133 તાલુકાઓમાં 501 થી 1000 મીમી સુધી, 24 તાલુકાઓમાં 251 થી 500 મીમી સુધી અને 2500 મીમીથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવા એક પણ જિલ્લા નથી. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 119.78 ટકા થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 251.66 ટકા, સૌરાષ્ટ્રમાં 162.64ટકા, દક્ષિણ ગુજરાતમાં 102.45 ટકા, ઉત્તર ગુજરાતમાં 101.72 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.56 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
ડૉ.પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ 2,678,010 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના 79.92 ટકા જેટલો છે. હાલ 138.68 મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના 205 જળાશયો પૈકી 154 જળાશયો હાઇ એલર્ટ પર, 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ ઉપર છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 103 છે. રાજ્યમાં કુલ 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફલો થયા છે.