ગુજરાતમાં ચાલુ સપ્તાહે વરસાદી માહોલ ચાલુ રહ્યો છે. બુધવારે ડીસા અને જૂનાગઢમાં ધોમમાર વરસાદ પડ્યો હતો. ડીસામાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ પડી જતાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં પણ મંગળવાર સાંજે આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી, જળાશયોમાં પાણીની ભરપૂર આવક થતાં કેટલીક જગ્યાએ ગામોમાં પાણી ફરી વળ્યા હતી.
સરદાર સરોવર ડેમ ઉપરાંત, ધરોઈ અને ઉકાઈ ડેમમાં દરવાજા ખોલીને ડેમનું લેવલ મેઈન્ટેન કરવા માટે પાણી છોડવામાં આવ્યું હતું. તેનાથી સાબરમતી તેમજ તાપી નદીમાં પણ પાણીના સ્તરમાં વધારો થયો હતો. ઉકાઈ ડેમના બે દરવાજા બે ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. મંગળવારના સત્તાવાર આંકડા અનુસાર, સાર્વત્રિક વરસાદને કરાણે રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા હતા, જ્યારે 63માં 70 ટકાથી વધુ પાણી ભરાઈ ગયું હતું.રાજ્યમાં 207 જળાશયો 76 ટકાથી પણ વધુ ભરાઈ ગયા હતા. ગુજરાતની જીવાદોરી કહેવાતો સરદાર સરોવર ડેમ 85 ટકાથી વધુ ભરાઈ ચૂક્યો હતો.
ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા સરદાર સરોવરના 25 દરવાજા 2.25 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. તેનાથી નર્મદા નદીની સપાટી જોખમી સ્તરને વટાવી જતાં ભરુચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે તેવી શક્યતા સર્જાઈ હતી.
જૂનાગઢ જિલ્લામાં બુધવારે મેઘરાજા મહેરબાન થયા હતા. શહેરમાં સવારે 6થી બપોરે 4 વાગ્યા દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. અનેક સોસાયટીઓમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
સિઝનનો 93 ટકા વરસાદ
બુધવાર (17 ઓગસ્ટ) સુધીમાં રાજ્યમાં ચોમાસાની સીઝનનો કુલ 93 ટકા વરસાદ થયો હતો. 33 જિલ્લામાંથી 9 જિલ્લામાં 100 ટકા વરસાદ નોંધાયો હતો, 17 જિલ્લામાં 75-100 ટકા વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ નોંધાયો છે.