ગુજરાતમાં 13 જૂને નૈઋત્યના ચોમાસાનું આગમન થયા બાદ ગયા સપ્તાહે રાજ્યના 81 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. રાજ્યમાં અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સરેરાશ 5થી 7 ઇંચ સુધી વરસાદ થયો છે, જ્યારે આ સિઝનમાં અમદાવાદ શહેરમાં હજુ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. રવિવાર (19 જૂન)એ હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કર્યો હતો.
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૨૪૫.૪ મિ.મી. એટલે કે ૯.૮ ઇંચ વરસાદ થયો છે. જોકે અમદાવાદ શહેરમાં માંડ અડધો ઇંચ વરસાદ થયો છે અને શહેરીજનો ગરમી અને બફારામાં શેકાયા હતા. અમદાવાદ જિલ્લાના ૯ તાલુકમાંથી સિઝનનો સૌથી વધુ વરસાદ ધંધૂકામાં સાડા ચાર વરસાદ થયો છે. ધોળકામાં એક ઇંચ, ધોલેરામાં દોઢેક ઇંચ, બાવળામાં પોણા એક ઇંચ, માંડલમાં ૯ મિ.મી. અને વિરમગામમાં ૧૧ મિ.મી. વરસાદ સિઝનનો અત્યાર સુધીમાં પડયો છે. જ્યારે દસક્રોઇ, દેત્રોજ અને સાણંદ તાલુકામાં હજુ સુધી વરસાદ પડયો નથી.
વડોદરામાં 19 જૂને વરસાદી માહોલ વચ્ચે બપોરે ગાજવીજ સાથે ધોધમાર અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે તાપમાનનો પારો પણ ગગડતા લોકોએ ગરમીમાંથી સામાન્ય રાહત મેળવી હતી. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું હતું. ઉકળાટ અને ગરમીનો સામનો કરતા શહેરીજનોને આંશિક રાહત થઇ હતી.
રવિવારે 19 જૂને સૌરાષ્ટ્રના વિસાવદરમાં 4 ઇંચ, બોટાદમાં 3 ઇંચ, વીરપુરમાં 2.5, ખંભાળિયા અને નાના કોટડામાં 3 ઇંચ અને બિલખામાં 1.5 ઇંચ પડ્યો હતો. આ ઉપરાંત મહૂવાના મોટી જાગધાર ગામે વીજળી પડતા સંજય ભૂપત મકવાણા અને રવિ રાજુ મકવાણાનું મોત થયું હતું.
જુનાગઢ જિલ્લાના નવ તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. વિસાવદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 3 કલાકમાં ચાર ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસતા નદી નાળામાં નવા નીર વહેતા જોવા મળ્યા હતા. મેદરડામાં 17મીમી, માળિયા હાટીનામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લાના ગઢડાના ગોરકડા ગામે એક કલાકમાં સાંબેલાધાર 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.વીરપુરમાં અઢી, ખંભાળિયા અને કોટડામાં 3 ઇંચ, બિલખામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.અમરેલી જિલ્લામાં સતત 11 દિવસ હળવો વરસાદ પડ્યો હતો. જુનાગઢ પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 5થી 7 ઈંચ સુધીનાં ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ ઉઠયા હતા અને કોઝવે પર પાણી ફરી વળવાથી અનેક માર્ગો પણ બંધ થયા હતા. રવિવારે રાજકોટ શહેરમાં પણ સાંજે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં બે ઈંચ સુધીની મેઘમહેર વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા.
ગીર-સોમનાથ જિલ્લામાં આજે ઝાપટાથી બે ઈંચ મેઘકૃપા વરસી હતી. જેમાં ઊનામાં સવારથી સાંજ સુધીમાં દોઢ ઈંચ તથા ગીરગઢડામાં એક અને તાલાલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઊનાનાં સામતેર, કાણક બરડા, રામેશ્વર સહિતના ગામોમાં આજે બે ઈંચ જેવી મેઘમહેરથી ખેડૂતો ખુશ થઈ ગયા હતા. કોડિનાર તાલુકાના ડોળાસા અને આસપાસના ગામોમાં પણ પોણા ઈંચ જેવો વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાતમાં વાપી, ઉમરગામ, સુરતમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે વલસાડમાં ઝાપટા પડ્યા હતા. ભરુચના સાત તાલુકામાં વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના હિંમતનગર વિસ્તારમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે મહેસાણામાં માત્ર ઝાપટા પડ્યા હતા.