ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના મુદ્દે હાલની સ્થિતિ તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા ઉપાયોની માહિતી આપી. જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. જેના કારણે હાલ એક કોરોનાના દર્દીમાંથી તેમના સંપર્કમાં આવેલા લોકોમાં કોરોના પ્રસરી રહ્યો છે. કોરોનાના ત્રીજા તબક્કાને ધ્યાને રાખીને સરકારે અગમચેતીના અનેક પગલાં ભર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 27 હજાર લોકો વિદેશથી આવ્યા છે.જયંતિ રવિએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં લોકડાઉન કર્યા બાદ હવે આ તમામ મહાનગરોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જયંતિ રવિએ જણાવ્યું કે અત્યાર સુધી રાજ્યમાં કુલ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જ્યારે કે 224 લોકો સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ છે.
જયંતિ રવિએ કોવિડ-19માં અસરકારક નીવડતી દવાનો પૂરતો જથ્થો હોવાની પણ હૈયાધારણા આપી. સાથે જ તેમણે કહ્યું કે આગામી એક-બે દિવસમાં અમદાવાદમાં કોરોના વાયરસની વિશેષ હોસ્પિટલ ઉભી થઇ જશે.કોરોના વાયરસ સમગ્ર દેશમાં વકરી રહ્યો છે અને ગુજરાતમાં પણ 30 પોઝિટીવ કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે.
સરકારે અનેક શહેરોમાં લોકડાઉન કરવા સહિતના વધુ કેટલાક આકરા પગલા ભર્યા છે. પરંતુ અમદાવાદ સહિત અનેક સ્થળો પર લોકડાઉનનું ઉલ્લંઘન થતુ જોવા મળ્યુ હતુ. માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા પુરતુ બહાર નીકળવાનું હતુ. પરંતુ લોકો તો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે બાદમાં પોલીસ વધુ સતર્ક બની અને પોલીસે નાકાબંધી કરીને ચેકિંગ શરૂ કર્યુ.
જેઓને ખાસ જરૂરીયાત ન હોય તેઓને પાછા વાળવાનો પ્રયત્ન કર્યો. અપીલ પણ કરી અને રાજકોટમાં તો ઉઠક બેઠક પણ કરાવી. બીજીતરફ, ગુજરાતને જોડતી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતી આંતર રાજ્ય સરહદો પણ સીલ કરી દેવાઈ.