ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલ ગુજરાતમાં 45089 લોકો ક્વોરન્ટાઇન છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વના 23 દેશની જેટલી વસતી પણ નથી તેનાથી વધુ લોકો ગુજરાતમાં હાલ કોરોનાને લીધે ક્વોરન્ટાઇન હેઠળ છે. ઈટાલી પાસે આવેલો હોલી સી 801ની વસતી સાથે વિશ્વનો સૌથી ઓછી વસતી ધરાવતો દેશ છે.
આ સિવાય હવાઇ-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવેલા ટોકેલુની વસતી 1357, દક્ષિણ પેસિફિક સમુદ્ર પાસે આવેલા ન્યૂઇની વસતી માત્ર 1626 છે. હવે હાલની ગુજરાતની સ્થિતિ તરફ પરત ફરીએ તો કુલ 41527 ઘરમાં, 3401 સરકારી સુવિધા હેઠળ, 161 ખાનગી સુવિધા હેઠળ એમ કુલ 45089 ક્વોરન્ટાઇન થયેલા છે. 24 એપ્રિલ એટલે કે ગત સપ્તાહ સુધી ગુજરાતમાં ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યા 33734 હતી.
આમ, ગુજરાતમાં એક સપ્તાહમાં ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યા 33 ટકા જેટલી વધી ગઇ છે. ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 14970 લોકો ક્વોરન્ટાઇન થયેલા છે.વિશ્વના 11 દેશની વસતી 14 હજારથી ઓછી છે અને તેનાથી વધુ લોકો અમદાવાદમાં ક્વોરન્ટાઇન થયેલા છે. અમદાવાદ શહેર બાદ બનાસકાંઠા જિલ્લામાં 4084, અમરેલીમાં 3424, સુરતમાં 3306, મહીસાગરમાં 3125, વડોદરામાં 830, રાજકોટમાં 371 અને ભાવનગરમાં 366 લલોકો ક્વોરન્ટાઇન થયેલા છે.